News of Thursday, 1st May 2025
નૈનીતાલમાં ત્રણ કલાક સુધી તાંડવ : તોડફોડ, પથ્થરમારો અને લાઠીચાર્જ : બાળકી પર દુષ્કર્મના કારણે લોકોનો ગુસ્સો ફાટ્યો
મલ્લીતાલની સડકો પર ઉગ્ર ભીડનું પ્રદર્શન : વિધર્મી સમાજના લોકોની દુકાનોમાં તોડફોડ : વાહનોને નુકસાન : અનેક ઘાયલ

નૈનીતાલ: સામાન્ય રીતે શાંત રહેતા નૈનીતાલ શહેરમાં બુધવારે રાત્રે અચાનક સાંપ્રદાયિક તણાવ ફેલાયો હતો. રાત્રે લગભગ સાડા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી શહેરની સડકો પર અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. ઉસ્માન નામના એક વૃદ્ધ ઠેકેદાર દ્વારા એક નાની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા જ આ સમાચાર શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. લોકોનું ટોળું મલ્લીતાલની સડકો પર એકઠું થઈ ગયું હતું, ત્યારબાદ હિન્દુ સંગઠનોએ વિધર્મી સમાજના લોકોની દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. વિરોધ કરનારાઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો હતો.
શહેરનું વાતાવરણ બગડતાં જ આખું બજાર બંધ થઈ ગયું હતું. સાંપ્રદાયિક તણાવની પરિસ્થિતિને જોતા ભારે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભીડે પકડાયેલા આરોપીને તેમના હવાલે કરવાની માંગ સાથે મલ્લીતાલ કોતવાલીનો ઘેરાવ કર્યો હતો. લોકો આરોપીને કોતવાલીના લોકઅપમાંથી બહાર કાઢવા પર આતુર હતા અને તેમણે કોતવાલીની બહાર જ ધરણાં શરૂ કરી દીધા હતા. આ દરમિયાન, લોકોએ 'પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા પણ લગાવ્યા હતા. કેટલાક લોકોએ ધાર્મિક સ્થળના દરવાજા પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના પગલે પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી. આ હિંસક ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
ઉગ્ર ભીડે ગાડી પડાવ બજારમાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતા અને દુકાનોની આગળ રાખેલો સામાન પણ ફેંકી દીધો હતો. એટલું જ નહીં, ઘણા ઘરો પર ઈંટ અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક ઘરોના કાચ તૂટી ગયા હતા. ત્યારબાદ પોલીસે ત્યાં અરાજકતા ફેલાવી રહેલા લોકોને ખદેડી મૂક્યા હતા. ઉગ્ર ભીડે લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં અરાજકતા ફેલાવી હતી. કોતવાલી અને ગાડી પડાવ સુધી ઉગ્ર લોકો વારંવાર આવ-જા કરતા રહ્યા અને પથ્થરમારો કરતા રહ્યા હતા. પોલીસ એક જગ્યાએથી ભીડને ખસેડતી તો લોકો બીજી તરફ એકઠા થઈ જતા હતા.
ગાડી પડાવમાં ઘરો પર પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ત્યાં રહેતા પરિવારો બારીમાંથી આવું ન કરવા માટે વિનંતી કરતા રહ્યા હતા. જ્યારે પોલીસ પહોંચી ત્યારે ભીડ ત્યાંથી ભાગી ગઈ હતી. કોતવાલીની સામે ધરણાં કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે જે બાળકી દુષ્કર્મનો ભોગ બની છે તેની માતા કોઈ સગાને ત્યાં બહાર ગઈ હતી અને તેના પતિ અને બાળકો અહીં જ હતા. ઘરનું કામકાજ કરાવવા માટે ઉસ્માને ત્રણ દિવસ પહેલાં મહિલાની દીકરીને પોતાના ઘરે બોલાવી હતી અને તેને 200 રૂપિયા પણ આપ્યા હતા. બીજા દિવસે તે તેને પોતાની કારમાં લઈ ગયો અને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેણે બાળકીને શહેરના એક મુખ્ય રોડ પર ઉતારી દીધી અને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે બાળકીના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ તો બુધવારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે.
કોતવાલીની સામે ધરણાં કરી રહેલા અનેક સંગઠનોએ ગુરુવારે નૈનીતાલ બજાર સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે ગુરુવારે કોઈ પણ દુકાન ખુલશે નહીં. આ ઘટના અંગે બોલતા, એસપી ક્રાઈમ ડૉ. જગદીશ ચંદ્રાએ જણાવ્યું હતું કે બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે, જેમાં ગુનો નોંધીને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ મામલાને લઈને લોકોમાં ભારે આક્રોશ છે અને પોલીસ શાંતિ વ્યવસ્થા જાળવવાના પ્રયત્નો કરી રહી છે. આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે અને પીડિતાનું મેડિકલ કરાવવામાં આવ્યું છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
