<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પહલગામ કાંડના સૂત્રધારોને સજા અપાવીને ઝંપશું

વિદેશમંત્રી જયશંકરે અમેરિકી વિદેશમંત્રીને સ્‍પષ્‍ટ જણાવી દીધું

નવી દિલ્‍હી, તા.૧: જમ્‍મુ-કાશ્‍મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્‍તાન સામે કડક કાર્યવાહી કરી રહી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના અમેરિકી સમકક્ષ માર્કો રુબિયો સાથે વાત કરી. આ દરમિયાન, જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધેલા તણાવ અંગે વાત કરવામાં આવી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 'X' પર પોસ્‍ટ કરી અને લખ્‍યું ગઈકાલે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરી. તેના ગુનેગારો, સમર્થકો અને આયોજકોને ન્‍યાયના કઠેડામાં લાવવા જ જોઈએ.

અગાઉ, અમેરિકાએ ભારતને પાકિસ્‍તાન સાથે વધતા તણાવને ઓછો કરવા હાકલ કરી હતી. અમેરિકાએ આતંકવાદ સામે દિલ્‍હી સાથે સહયોગ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્‍ચાર કર્યો અને પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં ઇસ્‍લામાબાદ સાથે સહયોગનો આગ્રહ કર્યો. જોકે, ભારતે આતંકવાદ માટે સુરક્ષિત આશ્રયસ્‍થાન તરીકે જાણીતા પાકિસ્‍તાન સાથે સહયોગની કોઈપણ શકયતાને નકારી કાઢી છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્‍ય આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો અને પહેલગામના પીડિતોને ન્‍યાય અપાવવાનો છે.

હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્‍યે શોક વ્‍યક્‍ત કર્યો

હકીકતમાં, વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગથી વાત કરી હતી. જયશંકર સાથેની વાતચીતમાં, રુબિયોએ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી. આ આતંકવાદી હુમલામાં ૨૬ નાગરિકો માર્યા ગયા હતા. તેમાંના મોટાભાગના પ્રવાસીઓ હતા.

અમેરિકાએ ભારતને પોતાનો ટેકો ફરીથી વ્‍યક્‍ત કર્યોઃ સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટના પ્રવક્‍તા ટેમી બ્રુસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે રુબિયોએ આતંકવાદ સામે ભારત સાથે સહયોગ કરવાની યુનાઇટેડ સ્‍ટેટ્‍સની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે ભારતને અપીલ કરી કે તેઓ દક્ષિણ એશિયામાં તણાવ ઘટાડવા અને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કામ કરતી વખતે આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખે.(૨૩.૧૦)

(11:51 AM IST)