<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ભારતને મળ્‍યો અમેરિકાનો સાથઃ જેવા હાલ લાદેનના થયા'તા એવા જ હાલ પહલગામના આતંકીના થવાના

અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું... અમે ભારતની સાથે છીએ

નવી દિલ્‍હી,તા.૦૧: જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ, ભારત સરકાર કાર્યવાહીના મૂડમાં હોય તેવું લાગે છે. તે જ સમયે, ભારત અને પાકિસ્‍તાન બંનેમાં યુદ્ધની સ્‍થિતિ ચાલુ છે. દરમિયાન, હવે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયો સાથે વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્‍ટ પર આ અંગે માહિતી પણ આપી હતી. આ મુજબ, ભારતે આ હુમલાના કાવતરાખોરો અને હુમલાખોરોને સજા આપવાનું વચન આપ્‍યું છે.

જયશંકર અને રુબિયોએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધેલા તણાવ વિશે વાત કરી. પોસ્‍ટમાં આ અંગે માહિતી આપતા વિદેશ મંત્રીએ લખ્‍યું, ગઈકાલે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરી. તેના ગુનેગારો, સમર્થકો અને આયોજકોને ન્‍યાયના કઠેડામાં લાવવા જ જોઈએ. તમને જણાવી દઈએ કે અમેરિકા પણ હંમેશા પાકિસ્‍તાનમાં વધી રહેલા આતંકવાદની વિરુદ્ધ રહ્યું છે. આવી સ્‍થિતિમાં, અમેરિકાએ જે રીતે લાદેનને માર્યો તે આજે પણ આખી દુનિયાને યાદ રહેશે.

આ વાતચીતની વિગતો વિદેશ વિભાગના પ્રવક્‍તા ટેમી બ્રુસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આપવામાં આવી હતી. રુબિયોએ આતંકવાદ સામે ભારત સાથે સહયોગ કરવાની યુનાઇટેડ સ્‍ટેટ્‍સની પ્રતિબદ્ધતાનો પુનરોચ્‍ચાર કર્યો. તેમણે ભારતને અપીલ કરી કે તેઓ દક્ષિણ એશિયામાં તણાવ ઘટાડવા અને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કામ કરતી વખતે આતંકવાદ સામે યુદ્ધ ચાલુ રાખે.

વિદેશ સચિવ માર્કો રુબિયોએ બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી હતી. જયશંકર સાથેની વાતચીતમાં, રુબિયોએ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી. આતંકવાદી હુમલામાં ૨૬ નિઃશષા લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. બીજી તરફ, ઇસ્‍લામાબાદમાં પાકિસ્‍તાની વડા પ્રધાન કાર્યાલયે જણાવ્‍યું હતું કે શરીફે દક્ષિણ એશિયામાં તાજેતરના વિકાસ અંગે પાકિસ્‍તાનના દૃષ્ટિકોણથી અમેરિકી વિદેશ મંત્રીને વાકેફ કર્યા હતા. પાકિસ્‍તાને ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્‍યો અને કહ્યું કે આ ૨૪ કરોડ લોકોની જીવનરેખા સાથે જોડાયેલો મામલો છે.

યુએસ સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટના પ્રવક્‍તા ટેમી બ્રુસે પણ પાકિસ્‍તાન સાથે થયેલી વાટાઘાટો વિશે માહિતી આપી. તેમણે કહ્યું, વિદેશ સચિવે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી. ત્‍યારબાદ બંને નેતાઓએ આતંકવાદીઓને તેમની જઘન્‍ય હિંસા માટે જવાબદાર ઠેરવવાની તેમની સતત પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. નિવેદનમાં જણાવાયું છે કે સચિવે પાકિસ્‍તાની અધિકારીઓને આ અમાનવીય હુમલાની તપાસમાં સહયોગ કરવા હાકલ કરી હતી. તેમણે પાકિસ્‍તાનને દક્ષિણ એશિયામાં તણાવ ઘટાડવા, સીધો સંદેશાવ્‍યવહાર પુનઃસ્‍થાપિત કરવા અને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ભારત સાથે કામ કરવા પ્રોત્‍સાહિત કર્યા.(૪૦.૨૦)

 

(11:52 AM IST)