<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

મુંબઈમાં વેવ્સ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન: નરેન્દ્રભાઈએ ભારતીય સિનેમા અને સંગીતને વૈશ્વિક ફલક પર લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

મુંબઈ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) ૨૦૨૫નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ચાર દિવસીય આ સમિટ (૧થી ૪ મે) ભારતના મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતાને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન સહિત અનેક દિગ્ગજ હાજર રહ્યા.

 

*પ્રધાનમંત્રીનું પ્રેરક પ્રવચન* : પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના યુવા કલાકારો અને સર્જકોની પ્રતિભાને વૈશ્વિક સ્તરે લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “વેવ્સ એક શબ્દ નથી, એક લહેર છે. તે ભારતીય સિનેમા, સંસ્કૃતિ અને સંગીતનો વૈશ્વિક અવાજ છે. આ સમિટ ભારતના યુવાનોને વિશ્વના ક્રિએટિવ વર્ગ સાથે જોડશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં સંગીત માત્ર કલા નથી, પરંતુ એક સાધના છે, જે દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિને પ્રતિબિંબિત કરે છે.

 

 

શ્રી મોદીએ ભારતીય સિનેમાની વૈશ્વિક પહોંચ પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું, “આજે ૧૦૦થી વધુ દેશોમાં ભારતીય ફિલ્મો રિલીઝ થાય છે. વિદેશી દર્શકો ભારતીય સિનેમાને માત્ર જોતા નથી, પરંતુ તેને સમજે છે અને તેની સાથે જોડાય છે. આજે સ્ક્રીન ભલે માઈક્રો થઈ ગઈ હોય, પરંતુ તેનો સંદેશ મેગા છે.” તેમણે ડિજિટલ યુગમાં ભારતના કન્ટેન્ટ સર્જકોની ભૂમિકાને પણ ઉજાગર કરી અને જણાવ્યું કે ભારતનું મીડિયા અને મનોરંજન ક્ષેત્ર વૈશ્વિક નવીનતાનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

 

*વેવ્સ એવોર્ડની જાહેરાત* : પ્રધાનમંત્રીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે ભવિષ્યમાં વેવ્સ એવોર્ડનું આયોજન કરવામાં આવશે, જે ભારતના ક્રિએટિવ ટેલેન્ટને વૈશ્વિક સ્તરે માન્યતા આપશે. તેમણે ઉમેર્યું, “ક્રિએટિવ ઇન્ડિયા માટે આજનો સમય સૌથી યોગ્ય છે. વેવ્સ એવોર્ડ ભારતની સર્જનાત્મક શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરશે.”

 

*વેવ્સ સમિટ શું છે ?* વેવ્સ સમિટ 2025 ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત એક પહેલ છે, જેનો ઉદ્દેશ ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. આ સમિટમાં ફિલ્મ, ટેલિવિઝન, ગેમિંગ, સંગીત, ડિજિટલ મીડિયા અને ટેક્નોલોજીના ક્ષેત્રોના નિષ્ણાતો, સર્જકો અને નીતિ નિર્માતાઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ, ૨૦૦૦થી વધુ પ્રદર્શકો અને ૫૦,૦૦૦થી વધુ મુલાકાતીઓની હાજરી અપેક્ષિત છે. સમિટમાં વર્કશોપ, પેનલ ચર્ચાઓ, ટેક્નોલોજી પ્રદર્શનો અને નેટવર્કિંગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેએ આ સમિટને પ્રધાનમંત્રીની દૂરદૃષ્ટિનું પરિણામ ગણાવ્યું અને કહ્યું કે આ ઇવેન્ટ મુંબઈ અને મહારાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે.

 

*ભારતીય સિનેમા અને સંગીતનું વૈશ્વિક યોગદાન:* પ્રધાનમંત્રીએ ભારતીય સિનેમા અને સંગીતના વૈશ્વિક પ્રભાવ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે ભારતીય ફિલ્મો આજે વૈશ્વિક દર્શકોના દિલ જીતી રહી છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતીય ફિલ્મોની વાર્તાઓ, સંગીત અને સંસ્કૃતિ વિશ્વભરમાં લોકોને પ્રેરણા આપે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે ભારતીય કન્ટેન્ટની પહોંચને વધારી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતીય સર્જકોની માંગ વધી છે.

 

(1:14 PM IST)