News of Thursday, 1st May 2025
આતંક, આતંકવાદ અને પાકિસ્તાન : ત્રણેય વચ્ચે ઊંડો સંબંધ : પાકિસ્તાનનો આતંકવાદને પોષવાનો લાંબો ઇતિહાસ
પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને આશ્રય આપવા બદલ ઘેરામાં : વિશ્વના અનેક દેશો પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માંગ કરી ચૂક્યા છે : અનેક આતંકી હુમલાઓમાં પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું

નવી દિલ્હી : આતંક, આતંકવાદ અને પાકિસ્તાન – આ ત્રણેય શબ્દો એકબીજા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. પાકિસ્તાનને હંમેશા આતંકવાદ અને આતંકવાદીઓને આશ્રય આપવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, વિશ્વના ઘણા દેશો પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માંગ કરી ચૂક્યા છે, કારણ કે પાકિસ્તાનમાં ધમધમી રહેલી આતંકની ફેક્ટરીએ અનેક દેશોને તબાહ કર્યા છે. પાકિસ્તાનમાં ઉછરેલા આતંકવાદીઓએ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.
હવે ફરી એકવાર ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને આતંકવાદ અને આતંકવાદીઓને પાળવા-પોષવા અને પોતાની જમીનનો ઉપયોગ કરવા દેવા બદલ ઘેરામાં ઊભું કર્યું છે. પાકિસ્તાન સરકાર દ્વારા પ્રાયોજિત આતંકવાદીઓ આતંકી હુમલાઓનું એક વૈશ્વિક નેટવર્ક ચલાવે છે. અમેરિકાના વિદેશ વિભાગના વર્ષ 2019ના આતંકવાદ અંગેના રિપોર્ટમાં પાકિસ્તાનને એક એવા દેશ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રાદેશિક સ્તરે કેન્દ્રિત આતંકવાદી જૂથો માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે કામ કરે છે.
વર્ષ 2008 અને 2011માં કાબુલમાં ભારતીય અને અમેરિકી દૂતાવાસો પર થયેલા હુમલા હોય, વર્ષ 2024માં રશિયાના મોસ્કોમાં કોન્સર્ટ હોલ પર થયેલો હુમલો હોય, વર્ષ 2005માં લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટ હોય કે સપ્ટેમ્બર 2011માં અમેરિકામાં ટ્વીન ટાવર્સ પર થયેલો આતંકી હુમલો હોય… દરેક વખતે આંગળી પાકિસ્તાન અને પાકિસ્તાનમાં ધમધમી રહેલી આતંકની ફેક્ટરી તરફ જ ઊઠી છે. પાકિસ્તાન પણ ક્યારેક ક્યારેક એ વાત સ્વીકારી લે છે કે તેની જમીનનો ઉપયોગ આતંકની ફેક્ટરી માટે થયો છે.
વર્ષ 2024માં રશિયાના મોસ્કોમાં થયેલા કોન્સર્ટ હોલ હુમલાની તપાસ બાદ એપ્રિલ 2025માં રશિયાની સરકારે પુષ્ટિ કરી હતી કે મોસ્કો આતંકી હુમલાની તપાસમાં પાકિસ્તાનથી હુમલાના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. રશિયન અધિકારીઓએ કોન્સર્ટ હોલના માસ્ટરમાઇન્ડની ઓળખ તાજિક તરીકે કરી છે, જેને પાકિસ્તાની નેટવર્કથી ભંડોળ અને સમર્થન મળી રહ્યું હતું.
વર્ષ 2018માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સ્વીકાર્યું હતું કે વર્ષ 2008ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનની જ ભૂમિકા હતી. તેમણે માન્યું હતું કે મુંબઈમાં વર્ષ 2008માં થયેલો આતંકી હુમલો પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ આર્મી ચીફ પરવેઝ મુશર્રફે પણ આ વાત સ્વીકારી હતી કે તેમની સેના કાશ્મીરમાં ભારત સામે લડવા માટે આતંકવાદી જૂથોને તાલીમ આપતી રહે છે. તાલિબાન અને હક્કાની નેટવર્કની મદદથી પાકિસ્તાનની ISI, અફઘાનિસ્તાન, તાલિબાન અને હક્કાની નેટવર્કને સમર્થન આપવા, તેમને ભંડોળ પૂરું પાડવા, આતંકવાદીઓને તાલીમ આપવા અને સુરક્ષિત આશ્રય આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અફઘાનિસ્તાનના નાગરિકોને મોતને ઘાટ ઉતારવા અને સરકારી સંસ્થાઓ પર આતંકી હુમલા કરવામાં તેમની ભૂમિકા રહી છે. જેમાં વર્ષ 2008માં કાબુલમાં ભારતીય દૂતાવાસ પર બોમ્બમારો અને 2011માં કાબુલમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો સામેલ છે. બ્રિટિશ નાગરિક અને કાર્લોટા ગેલે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ભારતીય અને અમેરિકી દૂતાવાસ પર બોમ્બમારો ISI એજન્ટો દ્વારા કરવામાં આવેલું કોઈ ઓપરેશન નહોતું, પરંતુ તેને પાકિસ્તાની ગુપ્તચર વિભાગના સૌથી સિનિયર અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તેમની દેખરેખ હેઠળ જ હુમલો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સ્થિત સુન્ની ઉગ્રવાદી જૂથ જૈશ ઉલ-અદલે સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં ઈરાની સુરક્ષા દળો પર વારંવાર હુમલા કર્યા છે. તેના જવાબમાં ઈરાને 16 જાન્યુઆરી 2024ના રોજ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની અંદર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં જૈશ ઉલ-અદલના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાને હંમેશા પાકિસ્તાન પર સરહદ પાર હુમલા કરનારા સુન્ની આતંકવાદીઓને આશ્રય આપવાનો અને તેમની સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.
7 જુલાઈ 2005ના રોજ લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટ, જેને 4 બ્રિટિશ ઇસ્લામિસ્ટ આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો, તેઓ પાકિસ્તાનના ઉગ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા હોવાનું અને તેમની તાલીમ પણ આતંકવાદીઓની ફેક્ટરી પાકિસ્તાનમાં થઈ હોવાનું જણાયું હતું. હુમલાખોરોમાંથી 3 હુમલાખોરો મોહમ્મદ સિદ્દીક ખાન, શહેઝાદ તનવીર અને જર્મેન લિન્ડસેએ વર્ષ 2003 અને 2005 વચ્ચેનો સમય પાકિસ્તાનમાં જ વિતાવ્યો હતો. અમેરિકામાં થયેલા 9/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનને પણ પાકિસ્તાને જ આશ્રય આપ્યો હતો, જેને અમેરિકાના કમાન્ડોએ પાકિસ્તાનના એબોટાબાદમાં તેના ઘરની અંદર ઘૂસીને ઠાર માર્યો હતો.
પાકિસ્તાનની ISI પર જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)ને ભંડોળ પૂરું પાડવાનો અને તાલીમ આપવાનો આરોપ છે, જે એક પ્રતિબંધિત ઇસ્લામિક જૂથ છે અને વર્ષ 2016માં ઢાકાના ગુલશન કેફે હુમલામાં બંધકોની હત્યા માટે જવાબદાર છે. 2015માં બાંગ્લાદેશી અધિકારીઓએ પાકિસ્તાની રાજદ્વારીઓને JMBના આતંકવાદીઓને પૈસા ટ્રાન્સફર કરતા રંગે હાથે પકડ્યા બાદ હાંકી કાઢ્યા હતા. 2020ના એક ગુપ્તચર રિપોર્ટમાં JMB દ્વારા બાંગ્લાદેશના કોક્સ બજાર શિબિરોમાં 40 રોહિંગ્યા શરણાર્થીઓને તાલીમ આપવામાં પણ પાકિસ્તાનની સંડોવણીનો ખુલાસો થયો હતો, જેનો હેતુ તેમને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો હતો. ખાડી સ્થિત બિન-સરકારી સંગઠનો અને પાકિસ્તાની વચેટિયાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું JMBનું નેટવર્ક બાંગ્લાદેશ અને ભારત સુધી ફેલાયેલું છે, જેમાં પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોમાં સ્લીપર સેલ સક્રિય છે. પાકિસ્તાને પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા, વઝીરિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી તાલીમ શિબિરોનું મોટું નેટવર્ક તૈયાર કર્યું છે. લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM), હિઝબુલ મુજાહિદ્દીન (HM) અને ISIS-ખોરાસાન જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો દ્વારા સંચાલિત આ શિબિરો કટ્ટરપંથીકરણ, હથિયાર તાલીમ અને આત્મઘાતી મિશનની તૈયારી માટે આતંકના કેન્દ્ર તરીકે કામ કરે છે. આ શિબિરોમાં પૂર્વ પાકિસ્તાની સૈન્યના જવાન અને અધિકારીઓ તાલીમ આપવામાં મદદ કરે છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
