News of Thursday, 1st May 2025
‘મંચ, માઈક્રોફોનનો માણીગર મોરલો' એવા કવિ મિલિન્દ ગઢવીનો આજે જન્મદિવસ
યુવા ગોરવ પુરસ્કાર પુરસ્કૃત અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક વિજેતાઃ ગુજરાતી સાહિત્ય અને ફિલ્મ જગતના આ નામાંકિત હસ્તીનો જન્મદિવસ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે

રાજકોટ, 1 મે 2025: આજે ગુજરાતના પ્રખ્યાત ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર મિલિન્દ ગઢવી (જન્મ: 1 મે 1985)નો જન્મદિવસ છે (મો. 9586599699). સમાજના તમામ વર્ગોના લોકો આજે તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. મિલિન્દ ગઢવીએ ગુજરાતી ફિલ્મો માટે અનેક ગીતો લખ્યા છે અને તેમણે ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયર માટે શ્રેષ્ઠ ગીતના 15મા ટ્રાન્સમીડિયા એવોર્ડથી સન્માનિત થયા છે.
મિલિન્દ ગઢવીનો જન્મ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દત્રાણા ગામમાં ભરતકુમાર ગઢવી અને ચંદનબહેન ગઢવીના ઘરે થયો હતો. તેમણે રૂપાયતન, ગુડ સમેરિટન ઇંગ્લિશ મીડિયમ હાઇ સ્કૂલ (અમરેલી), ગુરુકુલ (સાવરકુંડલા), કાર્મેલ કોન્વેન્ટ હાઇ સ્કૂલ (જૂનાગઢ), સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ (જામનગર), સેન્ટ મેરીઝ સ્કૂલ (પોરબંદર) અને સ્વામી વિવેકાનંદ વિનય મંદિર (જૂનાગઢ) જેવી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું. તેમણે 2009માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સ અને 2011માં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમ.બી.એ.ની ડિગ્રી હાંસલ કરી.
चारण શબ્દ સંસ્કૃત ભાષાનો છે.
चारयन्ति धर्मं सत्यं वेदं नीतिं कीर्तिं विद्यां काव्यं इति चारणाः ।
ધર્મ, સત્ય, વેદ, નીતિ, કીર્તિ, વિદ્યા અને કાવ્યનું પ્રસારણ અને સંવર્ધન કરનાર જાતિવિશેષ એટલે ચારણ.ચારણોનાં ઉલ્લેખ અને વર્ણનો આપણાં રામાયણ, મહાભારત વગેરે આદ્ય કાવ્યો અને પુરાણોમાંય સાંપડે છે.એ સુવિદિત હકીકત છે કે ચારણ (ગઢવી) જ્ઞાતિને કલા, કલમ, કંઠ, કહેણીનો કામણગારો કસબ ગળથૂથીમાં જ મળેલ હોય છે.ચારણો આદિ કાળથી જ આદ્યશક્તિ ( આઈ )ના આરાધક અને ઉપાસક રહ્યા છે.આઈ ખોડિયાર, આઈ આવડ,આઈ સોનલ ઈત્યાદિ વિવિધ દેવીઓએ ચારણકુળમાં જ જન્મ લીધો છે. માટે જ 'ચારણ' (ગઢવી) ને 'સરસ્વતીપુત્ર' કે 'દેવીપુત્ર' તરીકેની એક આગવી અને અનન્ય ઓળખ સાંપડેલ છે.
આવાં ચારણકુળમાં જન્મ લેનાર મિલિન્દ ગઢવી સાંપ્રત ગુજરાતી ભાષા-સાહિત્યનો એક સંવેદનશીલ યુવા કવિ છે, ગુજરાતી ફિલ્મોનો ગરિમાપૂર્ણ ગીતકાર છે , સાહિત્યિક-સાંગીતિક-સાંસ્કૃતિક સભાનો સુ-ચારુ સંચાલક છે અને પ્રતિભાવંત પ્રેઝન્ટર છે.
કવિ કલાપીનાં લાઠીનાં પડખામાં આવેલ ગામ ઝરખિયાના વતની અને સાહિત્ય- સંગીત- સંસ્કારને વરેલા ચારણ ગૃહસ્થ ડો. ભરતભાઈ લાંગાવદરા અને ચંદનબેનનાં આ પ્રતિભાવંત પુત્રનો જન્મ 1 મે, 1985 ના રોજ સોરઠનાં મેંદરડાનાં દાત્રાળ ગામે મોસાળમાં.
શૈશવકાળમાં શિશુસહજ ટીખળી અને તોફાની મિલિન્દ અભ્યાસમાં ઓજસ્વી. તમામ ધોરણમાં અવ્વલ નંબર. મિલિન્દને વાંચનનો શોખ શૈશવકાળથી. પિતાજી વાર-પરબે રમકડાં કે ગીફ્ટને બદલે પુસ્તકો લાવતા.ગિજુભાઈની બાળવાર્તાઓ, કોમિક-બુક્સ ,મેઘાણીની 'દાદાજીની વાતો' તેમ જ પુરાણકથાઓ, કિશોરકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરેનું ભરપૂર વાંચન તરુણાવસ્થામાં જ આરંભાયેલું.
એવામાં કાળદેવતાએ પડખું ફેરવ્યું. વાંચનપ્રિય તરુણ મિલિન્દનાં માથે અચાનક જાણે કે વીજળી ત્રાટકી. 7 માં ધોરણના અભ્યાસ દરમ્યાન જ માતા-પિતાનું અણધાર્યું ગામતરું ! બાળપણ અચાનક છત્રવિહોણું થઈ ગયું.પણ હિંમત હાર્યા વગર મિલિન્દે અભ્યાસ ચાલુ રાખ્યો.


જૂનાગઢની ચારણ બોર્ડિંગમાં દાખલ થઈને શિક્ષણયાત્રા આગળ ધપાવી.આ બોર્ડિંગમાં પિતાતુલ્ય પ્રેમ આપનાર ચારણ-સદગૃહસ્થ સ્વ.શાંતિભાઈ લાંબાના વાત્સલ્યપૂર્ણ સહવાસ અને સત્સંગ થકી કિશોર મિલિન્દના માનસમાં સોનલ-શ્રદ્ધાનાં બીજ રોપાયાં અને જાણે કે એક નવી જ દિશા ખુલતી ગઈ ,ખીલતી ગઈ.
બોર્ડિંગનાં નિવાસકાળ અને અભ્યાસકાળ દરમ્યાન જ વાંચનની સાથોસાથ સર્જનપ્રક્રિયાનો પણ પ્રારંભ થયો અને કવિતા લખવાનો પ્રારંભ થયો.બોર્ડિંગમાં એક વખત મૂર્ધન્ય ચારણ-કવિ શ્રી 'દાદ'નો સન્માન સમારંભ યોજાયેલ, જેમાં મિલિન્દે કાવ્યપઠન કરેલ, એટલું જ નહીં, 'દાદ' ની ઉપસ્થિતિમાં 'દાદ' વિશેની કવિતાનું પઠન કરીને 'દાદ' મેળવી. મિલિન્દ ગઢવીનો આ સર્વપ્રથમ સ્ટેજ પ્રોગ્રામ. પછી તો પાછું વળીને જોવાનુંય ક્યાં થયું છે ?
પોતાની શબ્દયાત્રા વિશે વાત માંડતાં મિલિન્દ કહે છે :
--" ચારણ સરસ્વતીપુત્ર છે. શબ્દ મને ગળથૂંથીમાં મળ્યો છે.એટલે જ શબ્દ સૌથી પહેલા મારો રક્તસંસ્કાર છે.હું મારી તરુણાવસ્થામાં શબ્દના પ્રેમમાં પડ્યો. તેથી તે મારા પ્રેમસંસ્કાર પણ છે...
નાનપણમાં પિતાજી સાથે જૂનાં ફિલ્મી ગીતો રોજ રાત્રે સાંભળવાનું બનતું.તેથી શબ્દ, લય, છંદની અસર અચેતન માનસમાં અંકિત થતી રહી."
સ્વજનોના કડવા-મીઠા અનુભવોનું ભાથું બાંધીને ,વિપરિત સંજોગો સામે હિંમતભેર બાથ ભીડીને, સામે પૂરે તરનારો આ તરવરીયો તરવૈયો નામે મિલિન્દ 12 પાસ કરીને M.B.A. થયા બાદ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં જોડાયેલ છે. બેંકીંગની વહીવટી વિટંબણાઓ અને આંકડાઓનાં અડાબીડ અરણ્ય વચ્ચેય મિલિન્દની શબ્દસાધના તો ચાલુ જ રહી, એટલું જ નહીં, એ વધુ ને વધુ વિસ્તરતી રહી, વિકસતી રહી.
મિલિન્દ ગઢવીની કવિતાઓ છેલ્લા બે દાયકાઓથી ગુજરાતનાં અગ્રણી સામયિકોમાં સમયાંતરે પ્રગટતી રહી છે અને ભાવકોનું ધ્યાન આકર્ષિત કરતી રહી છે. શબ્દસૃષ્ટિ, પરબ, નવનીત-સમર્પણ , કુમાર, કવિતા, ગઝલવિશ્વ, શબ્દાલય, શબ્દસર, અખંડ આનંદ, ધબક, તમન્ના આદિ સામયિકોમાં પ્રકાશિત થતી રહેલી તેમની કવિતાનો એક અલાયદો ચાહકવર્ગ ઊભો થયેલ છે. દૂરદર્શન,આકાશવાણી ઉપરાંત રેડિયો મિર્ચી અને Red FM જેવાં માધ્યમો મિલિન્દનાં કાવ્યપઠનથી ધબકતાં રહે છે. ગીત, ગઝલ, નઝમ, સોનેટ, મુક્તક, ત્રિપદી, અછાંદસ વગેરે વૈવિધ્યસભર કાવ્યસ્વરૂપોમાં મિલિન્દની કલમ યથેચ્છ વિહરતી રહી છે, વિસ્તરતી રહી છે.ગુજરાતી ભાષામાં કવિતા લખવાનો પ્રારંભ કરનાર મિલિન્દ ગઢવીની કલમ ભાષાકીય સીમા વળોટીને હિંદી-ઉર્દૂ ભાષા સુધી વિસ્તરી છે.
મિલિન્દ ગઢવીના પ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ 'રાઈ જાઈ ' અને ઉર્દૂ ત્રિપદી સંગ્રહ नन्हे आंसु 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્શ, રાજકોટ' દ્વારા 2019 માં પ્રકાશિત થયેલ છે, જેનું ભવ્ય લોકાર્પણ હેમુ ગઢવી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે હક્કડેઠઠ્ઠ મેદની વચ્ચે પૂ. મોરારિબાપુના દિવ્ય હસ્તે થયેલ.
આ કાવ્યસંગ્રહ 'રાઈ જાઈ 'ને 2019 નું ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.આ પુસ્તકની પ્રસ્તાવનામાં સુખ્યાત કવિ-વિવેચક શ્રી સંજુ વાળા લખે છે :
-- " ગુજરાતી કવિતાની નવી પેઢીને કોઈ ચબરાકિયા કે વિશેષણોથી ઉગારે એવા , થોડાક સાચી દિશામાં મથતાં અને પોતીકી ખેવનાવાળા નવા સર્જકો છે. એમનું હોવું ભાષા માટે અનિવાર્ય પણ છે.મિલિન્દ એમાંનો એક છે.એ એની ભાષામાં નવતર ઉન્માદ અને ઉન્મેષ સાથે બેસીને કવિતાને તાગવા મથે છે.મિલિન્દમાં આવી અપાર શક્તિ અને શક્યતા રહેલી છે."
મિલિન્દનાં કવિકર્મની લાક્ષણિકતાઓ તારવતાં પદ્મશ્રી તુષાર શુક્લ જણાવે છે :
-- " નવી પેઢીઓના પ્રતિભાવંત કવિઓમાં મિલિન્દ ગઢવીનું નામ નિ:સંદેહ લઈ શકાય.આ કવિ પાસે ઉર્દૂ અને પરંપરાગત ગઝલનો અભ્યાસ છે અને એની બાનીને એ ઓળખે છે.એની નવી ગઝલે એની પેઢીના સર્જકો વચ્ચેથી ધ્યાન ખેંચ્યું. એની મજા એ છે કે એ પરંપરામાં મૂળ નાખીને અભિવ્યક્તિ સંદર્ભે નવી હવામાં મ્હોર્યો છે."
મિલિન્દનાં કવિકર્મની જેમ જ તેનું સંચાલનકર્મ પણ ચારુતાસભર અને ચિત્તાકર્ષક રહ્યું છે. મિલિન્દે અત્યાર સુધીમાં સેંકડો કવિસંમેલનો-સાહિત્યિક સમારંભોનું સાફલ્યપૂર્વક સંચાલન કરીને આ ક્ષેત્રમાં પોતાનું એક અદકેરું સ્થાન અને સન્માન પ્રાપ્ત કરેલ છે. અગ્રણી ગુજરાતી કવિઓ સાથે કાવ્યપઠન અને કવિસંમેલન- સંચાલન કરનાર મિલિન્દે निदा फ़ाज़ली , राहत इन्दोरी, नवाझ देवबंदी, वसीम बरेलवी, राजेश रेड्डी, दीक्षित दनकौरी જેવા ભારતના ધૂરંધર હિંદી- ઉર્દૂ શાયરો સાથે કાવ્યપઠન કરવાની સાથોસાથ મુશાયરાનું સુંદર સંચાલન પણ કરેલ છે.આ ઉપરાંત પૂ.મોરારિબાપુની આફ્રિકા ( કેન્યા) ની માનસધર્મ રામકથા અને જૂનાગઢની માનસ રુખડ રામકથા દરમ્યાન કાવ્યપઠન અને સંચાલન કરેલ છે. વળી , પૂ.બાપુ દ્વારા મહુવા ખાતે આયોજિત કેટલાક 'અસ્મિતાપર્વ'માં તથા પોરબંદર ખાતે પૂ.રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' દ્વારા આયોજિત 'સંસ્કૃતિ -ચિંતન' અવસરે પણ કાવ્યપઠન અને સંચાલન કરીને ઉપસ્થિતોની દાદ મેળવેલ છે. ઉપરાંત, અનુષ્ઠાન/ સમય/ INT મુશાયરા જેવા સાહિત્યિક સમારંભોમાં પણ કૌશલ્યપૂર્વક પઠન અને સંચાલન કરેલ છે.
મિલિન્દ ગઢવીની સંચાલનકળાની આગવી વિશેષતા એ છે કે તેમની સંયત અને પ્રભાવક પ્રસ્તુતિ દરમ્યાન 'કાગ' થી કાલીદાસ, 'દાદ' થી દુષ્યંતકુમાર , ગાલિબ થી ગુલઝાર અને આનંદ બક્ષીથી ચંદ્રકાંત બક્ષી સુધીના સર્જકોના ઔચિત્યપૂર્ણ સંદર્ભો બિલકુલ સહજતાપૂર્વક વણાઈને, ચળાઈને આવે છે, જેને કારણે સમગ્ર કાર્યક્રમની રસાળતા અને સંતર્પકતા સાદ્યંત જળવાઈ રહે છે, એટલું જ નહીં, સમગ્ર ઉપક્રમની ગરિમા , રમણીયતા અને શ્રવણીયતામાં નીતનવું ઉમેરણ થતું રહે છે.
મિલિન્દ ગઢવીની સર્જનયાત્રાનો એક અભિનવ વળાંક તે ગુજરાતી ફિલ્મોમાં ગીતલેખન.ચીલો ચાતરતી ગુજરાતી ફિલ્મ 'પ્રેમજી: ધ રાઈઝ ઓફ વોરિયર' માટે લખેલ ગીત ( મેં તો સૂરજને..)થી આ દિશામાં પદાર્પણ કર્યું. આ ગીતને 'ટ્રાન્સમિડિયા એવોર્ડ' પ્રાપ્ત થતાં આ મંગલાચરણ શુકનવંતું સાબિત થયું. પછી તો આ કેડી જાણે કે રાજમાર્ગ બની ગઈ અને જોતજોતામાં 25 જેટલી ગુજરાતી ફિલ્મોમાં મિલિન્દની કલમે ગીતલેખન કરીને જાણે કે છાકો પાડી દીધો. આ પૈકી કેટલાક ગીતો તો પુરસ્કૃત પણ થયાં.
આ 25 પૈકી કેટલીક ફિલ્મો આ રહી :
થઈ જશે/ કમીટમેન્ટ/ ઓ ત્તારી / આઈ વીશ / ફેમિલી સર્કસ / શોર્ટ સર્કિટ/ મોન્ટુની બિટ્ટુ/ કેમ છો / તારી સાથે/ નાડી દોષ / જે થશે જોયું જશે/ વર પધરાવો સાવધાન/ લગન સ્પેશ્યલ/ મન મારું તારું થયું/ તારો થયો ઈત્યાદિ.
આ ફિલ્મગીતોને ઐશ્વર્યા મજમુદાર , શાન, પાર્થિવ ગોહેલ, ભૂમિ ત્રિવેદી, જાવેદ અલી, કીર્તિદાન ગઢવી, સુનિધી ચૌહાણ , અમર ભટ્ટ જેવા સાંપ્રત સમયના દિગ્ગજ ગાયકો/ગાયિકાઓનો સૂરીલો સ્વર સાંપડ્યો છે. આ ગીતો પૈકી 'પ્રેમજી, ધ રાઈઝ ઓફ વોરિયર/ થઈ જશે/ નાડી દોષ / ઓ ત્તારી વગેરે ફિલ્મોનાં ગીતોને ગુજરાત સરકાર તરફથી તથા GIFA / Transmedia / Top Music સંસ્થાઓ તરફથી 'શ્રેષ્ઠ ગીત' ના પુરસ્કારો પ્રાપ્ત થયેલ છે.
ઉક્ત ગુજરાતી ફિલ્મો ઉપરાંત ' 706' અને ' P से प्यार F से फरार ' જેવી हिंदी ફિલ્મો માટે પણ ગીતલેખન કરનાર મિલિન્દ ગઢવીએ ' મહોતું / पहला गुलझार/ नोट ध लव ट्रायेंगल/ બસ ચા સુધી / ધ ટેટુ મર્ડર્સ જેવી Web Series માટે પણ ગીતલેખન કરેલ છે , જે પૈકી पहला गुलझार નાં ગીત ' ગાલિબના શેર જેવી છોકરી'ને 'શ્રેષ્ઠ ગીત' તરીકેનો Top Music Award મળેલ છે.
'રાઈ જાઈ ' અને नन्हे आंसु એ બે કાવ્યસંગ્રહો ઉપરાંત નીચે મુજબનાં અન્ય 3 પુસ્તકો પણ મિલિન્દનાં નામે બોલે છે.
(1) ગુજરાતના મૂર્ધન્ય વ્યક્તિત્વો દ્વારા લખાયેલ ચિંતનાત્મક આર્ટિકલ્સનું સંપાદિત પુસ્તક : મારું બકેટ લિસ્ટ :
(2) દિગ્ગજ સાહિત્યકારો દ્વારા સ્ત્રીત્વ-માતૃત્વ વિશે લખાયેલ આર્ટિકલ્સનું સંપાદન : નારી તું નારાયણી:
(3) સાંપ્રત ગુજરાતી ગિરાના અગ્રણી કવિ શ્રી સંજુ વાળાનાં ચૂનંદા કાવ્યોનું સંપાદિત પુસ્તક : સંજુ વાળા : (ડિઝિટલ આવૃત્તિ )
'અકિલા ઈવેન્ટ્સ' રાજકોટ દ્વારા પ્રાયોજિત અને મિલિન્દ તથા અન્ય કલાકાર મિત્રોના સાયુજ્ય થકી ગીત-સંગીતનો એક પ્રભાવક કાર્યક્રમ ગુજરાતમાં ખાસ્સો લોકપ્રિય થયેલ છે.
આ 3 કાર્યક્રમોનાં સાર્થક શીર્ષકો છે :
કોકટેલ દેશી , લાઈફ મંત્ર અને મોજે ગુજરાત:
'જુગલબંધી : જલસો' એ મિલિન્દ ગઢવી અને જામનગરવાસી કુશળ અભિનેતા, દિગ્દર્શક અને વક્તા શ્રી વિરલ રાચ્છનું સહિયારું, સોહામણું, સાંગીતિક સોપાન છે, જે Mass અને Class દ્વારા ઉચિત રીતે પોંખાયેલ છે. અન્ય ત્રણેક કલાકારોનાં સાયુજ્યમાં આ 'જુગલબંધી : જલસો' ની પ્રસ્તુતિ સૌરાષ્ટ્ર /ગુજરાતનાં અગ્રણી શહેરો ઉપરાંત ગુજરાત બહાર અને ભારત બહાર પણ થયેલ છે.
પ્રમાણમાં 'નાની' વયે 'મોટી' હરણફાળ ભરી રહેલ મિલિન્દનો પ્રથમ પ્રેમ તો કવિતા જ રહ્યો છે.પૂ.મોરારિબાપુની મહેર પણ મિલિન્દને ધન્યતા બક્ષી રહી છે. તે કહે છે :
--" કવિતાએ ઘણું બધું આપ્યું છે, માન- પાન- સન્માન વગેરે. પણ પૂ. મોરારિબાપુની નિશ્રામાં આવવાથી એક પ્રકારની પુખ્તતા અને સ્થિરતા આવી છે.પૂ.બાપુ સાથે સૌ પ્રથમ મુલાકાત દિલીપસિંહ જાડેજાએ લાલઢોરી આશ્રમ જૂનાગઢ ખાતે કરાવી, જ્યાં કાવ્યપાઠ બાદ દાદ અને આશીર્વાદ બંને મળ્યા."
પછી તો પૂ.બાપુ સાથેનું નૈકટ્ય સાતત્યપૂર્વક વિકસતું રહ્યું, પ્ર-ગાઢ બનતું રહ્યું. પૂ.ભાઈશ્રી પણ મિલિન્દની કવિતા અને વાણીનો વૈભવ યથાવકાશ માણતા રહ્યા છે.
મિલિન્દ ગઢવીની સન્નિષ્ઠ શબ્દસાધનાનાં યથોચિત પોંખણાં પણ થતાં જ રહ્યાં છે.ભારતના 75 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે રાજ્યપાલશ્રી , ગુજરાત દ્વારા તેમની સાહિત્યિક સિદ્ધિ બદલ 'સ્પેશ્યલ એવોર્ડ' થકી સન્માન થયેલ છે. 75 વર્ષથી સદા અગ્રસર ગુજરાતી સાપ્તાહિક 'ચિત્રલેખા'ના 2019 ના 'દીપોત્સવી અંક'ના '51 ગૌરવવંતા ગુજરાતીઓ' માં મિલિન્દ પણ અધિકારપૂર્વક સમાવિષ્ટ છે. 2023 માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મિલિન્દને ' યુવા ગૌરવ પુરસ્કાર ' સાંપડેલ છે. વિશિષ્ટ સાહિત્યિક સિદ્ધિ બદલ મિલિન્દને તાજેતરમાં જ 2024 નો 'કવિ રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા પુરસ્કાર' પ્રાપ્ત થયેલ છે.
મિલિન્દ ગઢવી ઓછું લખે છે એ બાબતે એની પોતાની કેફિયત જુઓ:
-- " મેં બહુ ઓછું લખ્યું છે. કારણ કે કંઈક ઓછું આવે ત્યારે જ લખું છું. "
क्या बात !
આ કવિ ભલે ઓછું લખે છે પણ આછું કે આછકલું જરાય નહીં. એ જે કાંઈ લખે છે એ પૂરી નિષ્ઠા અને નિસ્બતથી.એની અભિવ્યક્તિમાં ગરિમા છે, ગુણવત્તા છે. એની કલમમાં અને વાણીમાં સચ્ચાઈ અને અખિલાઈનો એક આભિજાત્યપૂર્ણ, રમ્ય રણકો પડઘાય છે.
નિખાલસતા, નિર્દંભતા અને નિર્ભારતા એ આગવા વિશેષો છે એનાં વ્યક્તિત્વનાં. એ વિદગ્ધ વક્તા પણ છે અને સ્પષ્ટવક્તા પણ છે. ચારણત્વને સાંચવીને બેઠેલો આ જણ 'ડાલામથ્થો ડાયરામલ' છે. એમની સાથે સુંવાણ્ય કરતી વેળા જાતજાતના , ભાતભાતના સાહિત્યિક /સાંગીતિક સંદર્ભો ખુલતા જાય અને એ રીતે ધન્ય થતા જ રહીએ, થતા જ રહીએ !
ગુજરાતી ગિરાના પ્રથિતયશ કવિ શ્રી રાવજી પટેલનાં નામ સાથે સંકળાયેલ એવોર્ડ મળવા બદલ આપણે આ સત્વશીલ સર્જક મિલિન્દ ગઢવીને અભિનંદન આપીએ અને એમની આ સન્નિષ્ઠ શબ્દસાધના હજુ પણ અવનવી ઊંચાઈઓને આંબે એવી શુભકામનાઓ અર્પીએ.
અંતમાં, અન્ય એક સોરઠી કવિ શ્રી ઉર્વીશ વસાવડાની એક ગમતીલી ગઝલના બે શેર સાથે વિરમીએ :
છલ છલ મિજાજ રાખતો પ્યાલો મિલિન્દ છે,
વસમો છતાં ય કૈંકનો વ્હાલો મિલિન્દ છે.
ગઝલો જો દ્રશ્ય હોય તો આંખો મિલિન્દ છે,
ઓશો ગગન જો હોય તો પાંખો મિલિન્દ છે.
अस्तु !
- આલેખન :
આર.પી.જોષી
મો. 63535 94920

(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
