<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

અકિલા ઈન્ડિયા ઇવેંટ્સ - ગુજરાત્રી અને મિલિન્દ ગઢવીનું સાયુજ્ય :

રાજકોટ / સૌરાષ્ટ્રનાં અગ્રણી સાંધ્ય દૈનિક 'અકિલા'ની ડિઝિટલ આવૃત્તિના તેજીલા તોખાર તંત્રી શ્રી નિમિષભાઈ ગણાત્રા તથા કલા/સાહિત્યના મર્મી મિત્ર હિરેન સુબા સાથે મિલિન્દ ગઢવી અને વિરલ રાચ્છનું સાયુજ્ય રચાયું અને તેમાંથી આકારિત થઈ બે નૂતન સંસ્થાઓ : અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ અને અકિલા ઈન્ડિયા ઈવન્ટ્સ : આ બંને સંસ્થાઓ સાથે સાયુજ્ય રચાતાં સાહિત્ય/સંગીત ક્ષેત્રે કેટલાક નૂતન ઉપક્રમો હાથ ધરવામાં આવ્યા, જેના થકી મિલિન્દ ગઢવીની સર્જન પ્રતિભાને એક નૂતન વળાંક મળ્યો.

સૌ પ્રથમ 2019 માં મિલિન્દનાં બે કાવ્યસંગ્રહ (1) રાઈ જાઈ (2 ) नन्हे आंसु નું પ્રકાશન અને પ્રાગટ્ય 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ' દ્વારા હાથ ધરવામાં આવ્યું. પૂ.મોરારિબાપુના શુકનવંતા કરકમળ વડે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી / અકિલા નાં મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમ જ હક્કડેઠઠ્ઠ ભાવકો/વાચકોની વચ્ચે હેમુ ગઢવી ઓડિટોરિયમ , રાજકોટ ખાતે મિલિન્દ ગઢવીના ઉક્ત બંને કાવ્યસંગ્રહોનાં લાલિત્યપૂર્ણ લોકાર્પણનાં જાજરમાન કાર્યક્રમ 'આરંભ'નું આયોજન થયું. અકિલાની ઓથમાં ભવિષ્યમાં આયોજિત થનાર નૂતન કાર્યક્રમ-શૃંખલાનો આ એક અનોખો 'આરંભ' હતો.

થોડા સમય બાદ 'અકિલા' દ્વારા અન્ય એેક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ' દ્વારા પ્રકાશિત અને મિલિન્દ ગઢવી દ્વારા સંપાદિત પાણીદાર પુસ્તક ' મારું બકેટ લિસ્ટ'નું લોકાર્પણ થયું. સુખ્યાત કવિ શ્રી સંજુ વાળાના કાવ્યસંગ્રહ ' અદેહી વીજ' નાં પ્રકાશન અને લોકાર્પણનો એક ભવ્ય કાર્યક્રમ પણ બાદમાં 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ' દ્વારા જ આયોજિત થયેલ.

થોડા સમય બાદ 'અકિલા ઈન્ડિયા ઈવન્ટ્સ' ના નેજા હેડળ એક નવતર કાર્યક્રમ-શૃંખલા 'ગુજરાત્રિ' નું એક અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું. આ વખતે અકિલા અને મિલિન્દ ગઢવીએ હાથ મિલાવ્યા વિમલ રાચ્છ સાથે. જામનગરવાસી કુશળ નાટ્યદિગ્દર્શક, અભિનેતા અને વિદગ્ધ વક્તા શ્રી વિરલ રાચ્છ અને મિલિન્દ ગઢવીની બળકટ બેલડીએ 'અકિલા' ની ઓથમાં 'ગુજરાત્રિ' નો પ્રથમ કાર્યક્રમ યોજ્યો હેમુ ગઢવી ઓડિટોરિયમ ,રાજકોટ ખાતે. કાવ્યપઠન/કાવ્યસંગીત /લોકસંગીત/વક્તવ્યો વગેરે વાનાંનું સાયુજ્ય રચીને એક નોખો, અનોખો ઉપક્રમ આયોજિત થયો, જેનું યથોચિત શીર્ષક હતું : કોકટેલ દેશી: આ પ્રારંભિક કાર્યક્રમને Class અને Mass બંને પ્રકારના રસિકજનો તરફથી અ-ભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો.

મિલિન્દ-વિરલની જાજ્વલ્યમાન 'જુગલબંદી'માં રજુ થતી પથભંજક પ્રસ્તુતિ 'બેતબાજી'ના સાફલ્યપૂર્ણ, નવતાપૂર્ણ પ્રયોગમાંથી જન્મ થયો વળી એક નવીનક્કોર કાર્યક્રમ - શૃંખલાનો, જેનું ઔચિત્યપૂર્ણ નામાભિધાન થયું : ' જુગલબંદી :જલસો '

'જુગલબંધી :જલસો' એ 'અકિલા ઈન્ડિયા ઈવન્ટ્સ ' અને 'પિપલ્સ થિયેટર' ના નેજા હેઠળ આયોજિત થતું  મિલિન્દ ગઢવી અને વિરલ રાચ્છનું સહિયારું, સોહામણું, સાંગીતિક સોપાન છે, જે Mass અને Class દ્વારા ઉચિત રીતે પોંખાયેલ છે. અન્ય ત્રણેક કલાકારોનાં સાયુજ્યમાં આ 'જુગલબંધી : જલસો' ની પ્રસ્તુતિ સૌરાષ્ટ્ર /ગુજરાતનાં અગ્રણી શહેરો ઉપરાંત ગુજરાત બહાર અને ભારત બહાર પણ થયેલ છે.

કપરા કોરોનાકાળ દરમ્યાન 'અકિલા'એ કેટલાક શાતાદાયક કાર્યક્રમ 'ઓનલાઈન' યોજેલ, જેમાં પણ મિલિન્દ ગઢવીનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. આ શૃંખલામાં સૌથી વધુ લોકપ્રિય , શ્રવણીય અને સ્મરણીય કાર્યક્રમ રહ્યો તે મિલિન્દ ગઢવી સંચાલિત गुलझारसाहब વિશેનો એક રસપ્રદ કાર્યક્રમ ! गुलझारની કેટલીક રમ્ય રચનાઓનો રસાસ્વાદ મિલિન્દે કરાવેલ અને ગરવું ગાન કરેલ ગાર્ગી વોરાએ.

'અકિલા' સાથેનું મિલિન્દ ગઢવીનું અન્ય એક દિવ્ય જોડાણ તે જલારામબાપાની આરતીનું લેખનકર્મ. 'અકિલા'ના મોભાદાર મોભી શ્રી કિરીટકાકા અને નિમિષભાઈ, સાહિત્ય-કલાના મર્મજ્ઞ હોવા ઉપરાંત જલારામબાપાના પણ અનન્ય આરાધક ! તેમને એક દિવસ વિચાર આવ્યો કે જલારામબાપાની એક જુદા જ પ્રકારની આરતી હોય તો કેવું ? આ માટે તેમણે મિલિન્દને પ્રેમાગ્રહ કર્યો અને પરિણામે મિલિન્દ ગઢવીની કલમમાંથી અવતરી એક અદ્ભૂત આરતી. આ આરતીને નિમિષભાઈએ આપણા સુખ્યાત સુરીલા ગાયક ઓસામણ મીર પાસે ગવડાવી અને આપણને મળી જલિયાણબાપાની એક સંવેદનાપૂર્ણ , આર્દ્રતાપૂર્ણ આરતી. મિલિન્દ ગઢવીની કલમમાંથી ટપકેલી અને ઓસમાણ મીરના ઘેઘૂર કંઠે વહેતી થયેલી, સાતેક મિનિટની એ આરતી ભક્તગણમાં અતિ લોકપ્રિય થઈ છે.આ આરતીનું મુખડું જુઓ : 
--" હોઠો પર રામનામ, હાથમાં છે માળા,
    અમિયલ આંખ વાળા,સંત રે રૂપાળા,
    જય જલારામ , જય જલારામ ! "

આમ, 'અકિલા' સાથેનાં આ પ્રકારનાં ભાવાત્મક જોડાણ પછી મિલિન્દ ગઢવી (અને વિરલ રાચ્છની પણ ) સર્જનાત્મક ઊર્જાને એક નૂતન આયામ સાંપડેલ છે અને બંને મર્મજ્ઞ મંચ-મહારથીઓની પ્રતિભા સોળે કળાએ ખીલતી અને ખુલતી રહી છે.

(2:15 PM IST)