<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

મુસ્લિમોને નિશાન ન બનાવો : પહલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની પત્નીની અપીલ : એક માંગ

હિમાંશીએ કહ્યું, હુમલામાં સામેલ લોકોને સખત સજા આપો, પરંતુ મુસ્લિમો અને કાશ્મીરીઓને લક્ષ્ય બનાવશો નહીં : પતિની જન્મજયંતિ પર પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

કર્નાલ: પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નેવીના લેફ્ટનન્ટ જનરલ વિનય નરવાલની પત્ની હિમાંશીએ સૌને શાંતિ જાળવવા અપીલ કરી છે. ગુરુવારે લેફ્ટનન્ટ વિનય નરવાલની જન્મજયંતિ પર તેમણે કહ્યું કે આપણે મુસ્લિમો અને કાશ્મીરીઓને નિશાન ન બનાવવા જોઈએ. અમે શાંતિ ઇચ્છીએ છીએ. પરંતુ તેમણે એ પણ કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોને સખત સજા મળવી જોઈએ. હિમાંશીએ કહ્યું, 'આ હુમલામાં જે લોકો સામેલ છે, તેમને સખત સજા આપવામાં આવે. પરંતુ આપણે મુસ્લિમો અને કાશ્મીરીઓને નિશાન બનાવવાના નથી.' વિનયની જન્મજયંતિ પર પરિવારે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું હતું. જો આજે વિનય નરવાલ જીવિત હોત તો તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હોત, પરંતુ આજે પરિવાર તેમની યાદમાં જન્મજયંતિ મનાવતો જોવા મળ્યો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન હિમાંશી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને તેમણે રક્તદાન કર્યું. હિમાંશીએ કહ્યું કે હું પણ પતિ વિનય નરવાલ દ્વારા બતાવેલા દેશભક્તિના માર્ગ પર આગળ વધીશ. મારે દેશની સેવા કરવી છે. હિમાંશીએ કહ્યું, 'દેશવાસીઓએ વિનય નરવાલ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેઓ જ્યાં પણ હોય, સુખી હોય. અમે આજે અહીં શોક વ્યક્ત કરવા માટે ઉપસ્થિત નથી થયા પરંતુ અમે તેમની દેશભક્તિ અને જુસ્સાનું સન્માન કરવા માટે આવ્યા છીએ.' હિમાંશી અને વિનય નરવાલના લગ્ન 16 એપ્રિલે જ થયા હતા અને ત્યારબાદ 19 તારીખે રિસેપ્શન યોજાયું હતું.
આ દંપતી હનીમૂન માટે પહલગામ ફરવા ગયું હતું, જ્યાં 22 એપ્રિલે આતંકવાદીઓએ વિનય નરવાલની હત્યા કરી દીધી હતી. આ હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ વિનય નરવાલ સહિત તમામ લોકોનો ધર્મ પૂછીને હત્યા કરી હતી. રક્તદાન કેમ્પમાં વિનય નરવાલની બહેન સૃષ્ટિ પણ હાજર હતી. સૃષ્ટિએ કહ્યું કે હું અહીં આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું, જેમણે અમારો સાથ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે રક્તદાન કેમ્પ એટલા માટે ચલાવી રહ્યા છીએ જેથી જિંદગીઓને બચાવી શકાય. અમે અમારા ભાઈને ગુમાવ્યા છે અને પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ અમે સમજી શકીએ છીએ.

 

(5:01 PM IST)