News of Thursday, 1st May 2025
ચીનનો વિચિત્ર દાવો:કોરોના અમે નહીં અમેરિકામાંથી ફેલાયો
કોરોનાનો ખતરો દુનિયામાંથી ટળ્યાને ચાર વર્ષ થઈ ગયા પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે હજુ પણ આ અંગે આરોપ-પ્રત્યારોપો ચાલુ

બીજિંગ: કોવિડ-૧૯નો ખતરો દુનિયામાંથી ટળ્યાને ચાર વર્ષ થઈ ગયા હશે, પરંતુ તેના પર આરોપ-પ્રત્યારોપોનો દોર હજુ સુધી બંધ થયો નથી. તેના મૂળ અંગે અમેરિકા અને ચીન વચ્ચે હજુ પણ શબ્દયુદ્ધ જોવા મળી રહ્યું છે. ચીને અમેરિકામાંથી કોવિડ-૧૯ ફેલાવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે 'અમેરિકા પોતાની ભૂલનો દોષ બીજા પર ઢોળવાનો પ્રયાસ કરી રહ્યું છે.' અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પુનરાવર્તન કર્યું છે કે કોરોના વાયરસ વુહાનની એક પ્રયોગશાળામાંથી લીક થયો હતો.
ચીનની સરકારે કહ્યું છે કે એવા નોંધપાત્ર પુરાવા છે જે દર્શાવે છે કે કોવિડનો ફેલાવો ચીનથી નહીં પણ અમેરિકાથી શરૂ થયો હશે. ચીનની સરકારે કહ્યું હતું કે 'લેબમાંથી વાયરસ ફેલાવાના સિદ્ધાંતમાં કોઈ તથ્ય નથી.' ચીની અધિકારીઓએ કહ્યું હતું કે 'કોવિડ-૧૯નો સામનો કરવામાં નિષ્ફળતાથી ઘેરાયેલી અમેરિકન સરકાર હવે બીજાઓ પર દોષારોપણ કરવા માંગે છે. તે કોવિડ-૧૯ના ઉદ્ભવને રાજકીય રંગ આપીને લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે.' ચીનનું કહેવું છે કે કોવિડ-૧૯ની સત્તાવાર પુષ્ટિ થાય તે પહેલાં જ અમેરિકામાં વાયરસ ફેલાયો હતો.
હકીકતમાં, એપ્રિલ મહિનામાં, વ્હાઇટ હાઉસે કોવિડ-૧૯ના ફેલાવા અંગે પોતાનું નવું નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વાયરસ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની એક પ્રયોગશાળામાંથી લીક થયો હતો. જાન્યુઆરીની શરૂઆતમાં, CIA એ કહ્યું હતું કે એવી ઉચ્ચ સંભાવના છે કે કોવિડ-૧૯ વાયરસ કુદરતી રીતે નહીં પરંતુ પ્રયોગશાળામાંથી ઉદ્ભવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ મીટરના રિપોર્ટ મુજબ, 2020 અને 2021માં કોવિડ-19ને કારણે 70 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, વૈશ્વિક રિપોર્ટ્સમાં મૃત્યુના અલગ અલગ આંકડા આપવામાં આવ્યા હતા.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
