<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

જેરૂસલેમ નજીક ભીષણ આગ : અનેક વિસ્તારો ખાલી કરાવાયા : કારણોની તપાસ ચાલુ

તેજ પવનના કારણે આગ વધુ ફેલાવાની ભીતિ : ઇઝરાયલના ઇતિહાસની સૌથી મોટી આગ હોવાની આશંકા : આંતરરાષ્ટ્રીય મદદની ઓફર

લાટ્રુન/જેરૂસલેમ: જેરૂસલેમની ઉત્તરપશ્ચિમે આવેલા લાટ્રુન મઠ નજીક ગુરુવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસનો વિશાળ વિસ્તાર કાળો પડી ગયો હતો અને ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાયેલા જોવા મળ્યા હતા. અગ્નિશામકો સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા હતા.
તો બીજી તરફ, શાર હગાઈ નજીકના જંગલમાં પણ આગ લાગી હતી. તેજ પવનના કારણે આગ વધુ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જેરૂસલેમના ફાયર એન્ડ રેસ્ક્યુ કમાન્ડર શ્મુલિક ફ્રીડમેને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ આગ તાજેતરના વર્ષોની સૌથી મોટી આગ છે અને કદાચ ઇઝરાયલના ઇતિહાસની સૌથી મોટી આગ હોઈ શકે છે. ગુરુવાર સુધીમાં લગભગ 5,000 એકર જમીન બળી ગઈ છે, જેમાં અંદાજે 3,200 એકર જંગલનો વિસ્તાર સામેલ છે.
ઇઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર, જેરૂસલેમ અને તેલ અવીવ વચ્ચેના જેરૂસલેમ હિલ્સમાં ડઝનેક સક્રિય ફાયર સેન્ટર જોવા મળ્યા હતા. ફ્રીડમેને જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવાના પ્રયાસો ઓછામાં ઓછા શનિવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. ઇઝરાયલના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તા તાલ વોલ્વોવિચે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તપાસકર્તાઓ આગના કારણોની તપાસ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ તારણ પર પહોંચી શકાયું નથી, કારણ કે મોટાભાગના પ્રયત્નો આગને ઓલવવા પર કેન્દ્રિત છે.
વોલ્વોવિચે વધુમાં જણાવ્યું હતું કે જેરૂસલેમ નજીકના અનેક સ્થળોએ 93 ફાયર ફાઇટીંગ અને રેસ્ક્યુ ટીમ કાર્યરત છે અને 20 જેટલા અગ્નિશામકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ આગ ઇઝરાયલના મેમોરિયલ ડે અને સ્વતંત્રતા દિવસ પહેલાં મંગળવાર રાતથી ગુરુવાર સુધીના સમયગાળામાં ફાટી નીકળી હતી, જેના કારણે ઘણા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.
ઇઝરાયલની ઇમરજન્સી મેડિકલ સર્વિસ મેગન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે બુધવાર સુધીમાં ધુમાડાના કારણે થયેલી ઇજાઓ સાથે ઓછામાં ઓછા 12 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 10 લોકોની ઘટનાસ્થળે સારવાર કરવામાં આવી હતી.
પ્રથમ આગ જેરૂસલેમથી લગભગ 10 માઇલ દૂર મેસિલટ ઝિઓન વિસ્તારમાં શરૂ થઈ હતી અને તેજ પવનના કારણે ઝડપથી ફેલાઈ હતી. ફાયર ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા નવ સમુદાયોને ખાલી કરાવવામાં આવ્યા હતા, જો કે ગુરુવારે બપોર સુધીમાં ખાલી કરાયેલા રહેવાસીઓને પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઇઝરાયલના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું કે ઘણા દેશોએ આગ ઓલવવાના પ્રયત્નોમાં મદદની ઓફર કરી છે અથવા વિમાનો મોકલી રહ્યા છે. તેલ અવીવ અને જેરૂસલેમ વચ્ચેનો મુખ્ય હાઇવે બંધ કરવામાં આવ્યો હતો, જો કે તે ગુરુવારે સવારે ફરીથી ખોલવામાં આવ્યો હતો. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસને જરૂર મુજબ મદદ કરવા સૂચના આપવામાં આવી છે અને તેણે સર્ચ-એન્ડ-રેસ્ક્યુ બ્રિગેડના સભ્યો, ફાયર ફાઇટીંગ ટીમ, ફાયર ટ્રક, હવાઈ નિરીક્ષણ વિમાન અને આગ ઓલવવા માટે ભારે પરિવહન વિમાન તૈનાત કર્યા છે. ઓછામાં ઓછા આવતા બુધવાર સુધી ખુલ્લા વિસ્તારોમાં આગ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

(7:54 PM IST)