News of Friday, 2nd May 2025
પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત : જમ્મુ-કાશ્મીરમાં 8મા દિવસે પણ LoC પર આડેધડ ફાયરિંગ :ભારતીય સેનાનો કડક જવાબ
પહલગામ આતંકી હુમલા બાદ વધ્યો તણાવ : પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનનો સિલસિલો યથાવત

શ્રીનગર, 02 મે 2025: પાકિસ્તાને સતત આઠમા દિવસે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને અવળચંડાઈ દાખવી છે. પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, અને પાકિસ્તાનની આ નાપાક હરકતો તેનું પરિણામ છે. 01 અને 02 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂર વિસ્તારોમાં નાના હથિયારો વડે કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો, જેનો ભારતીય સેનાએ સજ્જડ અને પ્રમાણસર જવાબ આપ્યો.
ભારતીય સેનાની તાકાત સામે પાકિસ્તાન નિષ્ફળ:
ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના આ બેજવાબદાર અને ઉશ્કેરણીજનક કૃત્યનો મુકાબલો કરીને તેની હરકતોને નિષ્ફળ બનાવી છે. અગાઉ 30 એપ્રિલ અને 1 મેની રાત્રે પણ પાકિસ્તાને કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેનો ભારતે સંતુલિત રીતે જવાબ આપ્યો. આ ઘટનાઓ બાદ ભારતે પાકિસ્તાનને ડીજીએમઓ હૉટલાઇન દ્વારા સખત ચેતવણી આપી હતી, પરંતુ પાકિસ્તાને તેની હરકતો ચાલુ રાખી છે.
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે, જેમાં ઇન્દુસ વૉટર ટ્રીટી સ્થગિત કરવી, અટારી ચેકપોસ્ટ બંધ કરવી અને રાજદ્વારી સંબંધો ઘટાડવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાને આના જવાબમાં ભારતીય એરલાઇન્સ માટે હવાઈ માર્ગ બંધ કર્યો અને વેપાર સ્થગિત કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની આ હરકતો સરહદ પર અશાંતિ ફેલાવવાનો પ્રયાસ છે, પરંતુ ભારતીય સેનાની તાકાત અને તૈયારીઓએ તેના ઇરાદાઓને નિષ્ફળ કર્યા છે.
સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની સલાહ આપવામાં આવી છે, અને સુરક્ષા દળોએ સતર્કતા વધારી દીધી છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનની આતંકવાદને પોષણ આપતી નીતિઓની નિંદા કરવા હાકલ કરી છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
