<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

યુપીની છોકરીને જાગ્યો પાકિસ્તાન પ્રેમ : રસ્તા પર કર્યું એવું કામ કે મચી ગયો હોબાળો : વીડિયો વાયરલ

સહારનપુરની 11મા ધોરણની વિદ્યાર્થીનીએ રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ જોઈ હટાવવાનો પ્રયાસ કર્યો, ભારે પડ્યું : સ્કૂલમાંથી કાઢી મૂકાઈ : હિન્દુ સંગઠનોનો વિરોધ

સહારનપુર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો સમગ્ર દેશ વિરોધ કરી રહ્યો છે અને ભારત સરકાર પાસે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગ કરી રહ્યો છે. દેશના લોકોમાં પાકિસ્તાન સામે ભારે ગુસ્સો છે અને ઠેર-ઠેર રસ્તાઓ પર પાકિસ્તાનના ધ્વજ ચોંટાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના ગંગોહ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
હકીકતમાં, 11મા ધોરણની એક વિદ્યાર્થીનીએ જ્યારે રસ્તાની વચ્ચે પાકિસ્તાનનો ધ્વજ જોયો તો તેણે ધ્વજને હટાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ કામ તેના માટે મુસીબત બની ગયું. તેનાથી માત્ર સોશિયલ મીડિયા પર જ હોબાળો મચ્યો નહીં, પરંતુ બીજા જ દિવસે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવી. વિદ્યાર્થીનીના આ પ્રયાસને કોઈએ કેમેરામાં કેદ કરી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. 12 સેકન્ડનો આ વીડિયો જેવો જ વાયરલ થયો કે સમગ્ર વિસ્તારનું વાતાવરણ ગરમ થઈ ગયું. દાવાઓ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીની સ્કૂટી પર ઘરે જઈ રહી હતી. ત્યારે તેણે રસ્તાની વચ્ચે પાકિસ્તાનનો ધ્વજ ચોંટાડેલો જોયો, જેના પરથી લોકો અને વાહનો પસાર થઈ રહ્યા હતા. વિદ્યાર્થીનીએ સ્કૂટી રોકી અને ધ્વજને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ધ્વજને સંપૂર્ણપણે હટાવી શકી નહીં. તે સમયે કોઈએ છોકરીનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. વીડિયો વાયરલ થતાં જ હિન્દુ સંગઠનોએ વિરોધ શરૂ કરી દીધો. તેમણે આ ઘટનાને દેશ વિરુદ્ધ ગણાવી અને તેને દેશદ્રોહનો મામલો કહ્યો. બીજા દિવસે હિન્દુ સંગઠનના લોકો શાળાએ પહોંચ્યા અને મેનેજમેન્ટ પાસે વિદ્યાર્થીનીને શાળામાંથી કાઢવાની માંગ કરી. શાળા પ્રશાસને વિવાદથી બચવા અને વાતાવરણને જોતા વિદ્યાર્થીનીને શાળામાંથી હાંકી કાઢી. વિદ્યાર્થીની મુસ્લિમ પરિવારની છે અને તે બહાદર નગરની હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે 29 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેટલાક સંગઠનોએ રસ્તા પર પાકિસ્તાનના ધ્વજ ચોંટાડ્યા હતા, જેથી લોકો તેને પગ નીચે કચડી શકે. આ જ ધ્વજને હટાવવાનો પ્રયાસ વિદ્યાર્થીનીએ કર્યો હતો, જે તેને ભારે પડ્યો. હવે વિદ્યાર્થીનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાથે જ પરિવારના લોકો આ મામલે કંઈપણ બોલવા તૈયાર નથી અને શાળા પ્રશાસને ગરમ વાતાવરણને જોતા હિન્દુ સંગઠનોના વિરોધ પર વિદ્યાર્થીનીને શાળામાંથી કાઢી મૂકી છે. વિદ્યાર્થીનીના શાળાના આચાર્ય ભૂપેન્દ્ર સિંહે માહિતી આપતા જણાવ્યું કે તપાસ સમિતિ બેસાડીને વિદ્યાર્થીનીને હાંકી કાઢવામાં આવી છે.

 

(10:51 AM IST)