<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ઇન્દોરમાં ત્રણ વર્ષની બાળકીએ લીધો સંથારો : વિશ્વનો સૌથી નાની ઉંમરનો ત્યાગ : માતા-પિતા બંને આઇટી પ્રોફેશનલ

બ્રેઇન ટ્યુમરથી પીડિત બાળકીને જૈન મુનિના સૂચનથી સંથારો અપાયો અને થોડી જ મિનિટોમાં તેનું નિધન : જૈન સમાજ દ્વારા માતા-પિતાનું સન્માન

ઇન્દોરમાં ત્રણ વર્ષની બાળકીએ લીધો સંથારો : વિશ્વનો સૌથી નાની ઉંમરનો ત્યાગ : માતા-પિતા બંને આઇટી પ્રોફેશનલઇન્દોર: ઇન્દોરમાં એક ત્રણ વર્ષની બાળકી દ્વારા સંથારો લેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર જૈન સમાજ અને દેશભરમાં ચર્ચા જગાવી છે. આ બાળકીને જાન્યુઆરી 2025 માં બ્રેઇન ટ્યુમર થયો હતો અને સર્જરી બાદ તે ઠીક થઈ ગઈ હતી, પરંતુ માર્ચમાં તે ફરીથી બીમાર પડી હતી. તેની સારવાર મુંબઈમાં ચાલી રહી હતી. બાળકીના માતા-પિતા પીયૂષ અને વર્ષા જૈને જણાવ્યું કે 21 માર્ચના રોજ જૈન મુનિ શ્રીના સૂચન પર તેને સંથારો અપાયો હતો. ધાર્મિક પ્રક્રિયાના થોડી જ મિનિટો બાદ બાળકીનું નિધન થયું હતું.
જૈન સમાજ દ્વારા આ નિર્ણય માટે માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે આટલી નાની ઉંમરમાં સંથારો અપાવવાનો આ પહેલો કિસ્સો છે, જેને 'ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ' માં પણ નોંધવામાં આવ્યો છે.
બાળકીના માતા-પિતાએ જણાવ્યું કે વિયાના તેમની એકમાત્ર સંતાન હતી અને માત્ર 3 વર્ષ, 4 મહિના અને 1 દિવસની ઉંમરે તેણે દુનિયા છોડી દીધી. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના બ્રેઇન ટ્યુમરની ખબર પડી હતી. પહેલાં ઇન્દોર અને પછી મુંબઈમાં સારવાર કરાવી, પરંતુ કોઈ ખાસ સુધારો થયો નહીં. દોઢ મહિના પહેલાં તેઓ બાળકીને આધ્યાત્મિક સંકલ્પ અભિગ્રહ-ધારી રાજેશ મુનિ મહારાજના દર્શન કરાવવા લઈ ગયા હતા. ત્યાં મુનિશ્રીએ બાળકીની સ્થિતિ ગંભીર જણાવતાં સંથારાનું સૂચન કર્યું હતું. પરિવાર મુનિશ્રીના અનુયાયી હોવાથી અને મુનિશ્રી પૂર્વે 107 સંથારાઓનું સંચાલન કરી ચૂક્યા હોવાથી, સમગ્ર પરિવારની સંમતિથી સંથારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અડધા કલાક સુધી ચાલેલી આ ધાર્મિક પ્રક્રિયાના 10 મિનિટ બાદ જ વિયાનાએ પ્રાણ ત્યાગી દીધા હતા.
વિયાનાના માતા-પિતા પીયૂષ અને વર્ષા જૈન બંને આઇટી પ્રોફેશનલ છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયની જાણકારી તેમણે માત્ર પરિવારના કેટલાક નજીકના સભ્યો દાદા-દાદી, નાના-નાની અને કેટલાક સંબંધીઓ સાથે જ શેર કરી હતી. સંથારાની આ ધાર્મિક વિધિ આધ્યાત્મિક સંકલ્પ અભિગ્રહ-ધારી રાજેશ મુનિ મહારાજ અને સેવાભાવી રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ નાની ઉંમરમાં સંથારો લેવાના કારણે વિયાનાનું નામ 'ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ' માં નોંધવામાં આવ્યું છે. ગત બુધવારે ઇન્દોરના કીમતી ગાર્ડનમાં આયોજિત એક સાદા અને ગરિમાપૂર્ણ સમારોહમાં તેના માટે માતા-પિતાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વિયાનાના માતા-પિતાનું કહેવું છે કે તેમની પુત્રી જૈન ધર્મના સર્વોચ્ચ વ્રત “સંથારા” ને ધારણ કરનારી વિશ્વની સૌથી નાની ઉંમરની બાળકી બની ગઈ છે. તેઓ જણાવે છે કે વિયાના ખૂબ જ ચંચળ અને પ્રસન્નચિત્ત બાળકી હતી. તેને શરૂઆતથી જ ધાર્મિક સંસ્કાર આપવામાં આવી રહ્યા હતા જેમ કે ગૌશાળા જવું, પક્ષીઓને દાણા નાખવા, ગુરુદેવના દર્શન કરવા અને પચ્ચખાણ કરવા. આ ધાર્મિક વાતાવરણ અને પરિવારની આસ્થાએ આ કઠિન નિર્ણયને શક્ય બનાવ્યો. વિયાનાની આ આધ્યાત્મિક યાત્રા આજે સમગ્ર સમાજ માટે એક ગહન વિચાર અને પ્રેરણાનો વિષય બની ગઈ છે.

 

(3:56 PM IST)