<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

અનિલ અંબાણી એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ નિર્માણ કરશે: ભારત ગ્રીન પાવરનું હબ બનશે!

રિલાયન્સ NU સનટેકે SECI સાથે 25 વર્ષના કરાર પર હસ્તાક્ષર કરીને 930 MW સોલાર અને 465 MW બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટની જાહેરાત કરી: જે ભારતના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોને મજબૂત બનાવશે

નવી દિલ્હી :  અનિલ અંબાણીએ દેશમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. રિલાયન્સ પાવરની પેટાકંપની રિલાયન્સ NU સનટેકે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) સાથે 25 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, 930 MW સૌર ઉર્જા પૂરી પાડવામાં આવશે, જે 465 MW/1,860 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત કરવામાં આવશે. આમ આ પ્રોજેક્ટ એશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ-લોકેશન સોલાર-એનર્જી અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ બનશે.

આ પ્રોજેક્ટ આગામી 24 મહિનામાં પૂર્ણ થશે અને આ માટે લગભગ રૂ. 10,000 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. ઉર્જા પુરવઠાનો દર રૂ. 3.53 પ્રતિ કિલોવોટ કલાક (kWh) નક્કી કરવામાં આવ્યો છે, જે તેને સસ્તું અને સ્થિર બનાવશે.

આ કરાર ભારતમાં સ્વચ્છ ઉર્જા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટ હેઠળ, રિલાયન્સ NU સેન્ટેક 1,700 મેગાવોટથી વધુ સૌર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરશે અને ગ્રીડ સ્થિરતા અને ઉર્જા પુરવઠાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સનો પણ સમાવેશ કરશે.

આ હરાજીમાં, પાંચ મુખ્ય ઉર્જા કંપનીઓએ 2,000 મેગાવોટ સૌર ઉર્જા અને 1,000 મેગાવોટ/4,000 મેગાવોટ બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે સ્પર્ધા કરી હતી. રિલાયન્સ પાવરે પહેલાથી જ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) ને રૂ. 378 કરોડની પરફોર્મન્સ બેંક ગેરંટી (PBG) જમા કરાવી દીધી છે અને કંપનીએ માત્ર પાંચ મહિનામાં હરાજી, એવોર્ડ અને કરાર પર હસ્તાક્ષર પ્રક્રિયા પૂર્ણ કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે ઝડપથી કામ કરવાની આ ક્ષમતા કામગીરીમાં તેની ચપળતા અને મોટા પાયે ઉર્જા પ્રોજેક્ટ્સના સંચાલનમાં લાંબા અનુભવને પ્રતિબિંબિત કરે છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું - આ અમારા માટે એક વ્યૂહાત્મક સીમાચિહ્નરૂપ છે અને ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની મજબૂત પુષ્ટિ છે. આ સાથે, કંપનીએ કહ્યું કે આ પ્રોજેક્ટ દેશના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોને પૂર્ણ કરવામાં અને ઉર્જા સંગ્રહ માળખાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

 

(5:38 PM IST)