News of Friday, 2nd May 2025
નવા કાયદા હેઠળ બળાત્કારના કેસમાં 72 દિવસમાં ફાંસી : ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર પાશવી અત્યાચાર અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો
અંકલેશ્વર સેસન્સ કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી : પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી : સરકારી વકીલ પરેશ પંડ્યાની નિઃસ્વાર્થ અને પ્રશંસનીય કામગીરી

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ, પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં અંકલેશ્વર સેસન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે માત્ર 72 દિવસમાં આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. નવા ભારતીય ન્યાય સંહિતા હેઠળ બળાત્કારના કેસમાં આ સર્વપ્રથમ ચુકાદો છે.
ભરૂચ એસપી મયુર ચાવડાએ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી હતી અને તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી. SIT માં DYSP ડો. કુશળ ઓઝા, LCB PI મનીષ વાળા, SOG PSI એમ એચ વાઢેર અને ઝઘડિયા PI નીતિન ચૌધરી સહિત 10 થી વધુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. પોલીસની ત્વરિત કાર્યવાહીના પરિણામે ગણતરીના કલાકોમાં બળાત્કારી વિજય પાસવાનની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા અત્યંત ઝડપી અને અસરકારક રહી હતી, જેમાં પોલીસ અને સરકારી વકીલ પરેશ પંડ્યાની કામગીરી પ્રસંશનીય રહી હતી. સરકારી વકીલ પરેશ પંડ્યાએ આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ની કક્ષામાં ધ્યાને લેવા કોર્ટને અપીલ કરી હતી. કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ઉપરાંત બાળકીના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
બળાત્કારની આ ભયાનક ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલી બાળકીના શરીર પર 30 જેટલા ઘા મળી આવ્યા હતા. 16 ડિસેમ્બરના રોજ જ્યારે બાળકી તેના ઘર પાસે લાકડા વીણતી હતી ત્યારે વિજય પાસવાને તેનું અપહરણ કરી બળાત્કાર કર્યો હતો અને તેના ગુપ્તાંગમાં શલિયા જેવા હથિયારથી ઘા કર્યા હતા. બાળકી આઠ દિવસ સુધી મોત સામે ઝઝૂમી હતી, પરંતુ અંતે તે જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી.
સરકારી વકીલ પરેશ પંડ્યાએ આ સમગ્ર કેસની લડત એકપણ રૂપિયો ફી લીધા વગર આપી હતી, જે તેમની નિષ્ઠા અને સંવેદનશીલતા દર્શાવે છે. ચુકાદા બાદ તેમણે જણાવ્યું હતું કે કોર્ટે આદેશ કર્યો છે કે આરોપીને જ્યાં સુધી તેનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવામાં આવે. આ ચુકાદો પીડિત પરિવાર માટે આંશિક રાહત લઈને આવ્યો છે અને સમાજમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
