News of Saturday, 3rd May 2025
એક યુવકે બે યુવતીઓ સાથે એક જ મંડપમાં એક જ સમયે લગ્ન કર્યા
તેલંગાણાના કોમુરમભીમ આસિફાબાદ જિલ્લામાં ફરી એકવાર નવાઈ પમાડે એવા લગ્નની ઘટના સામે આવી

હૈદરાબાદ,તા.૦૩: તેલંગાણાના કોમુરમભીમ આસિફાબાદ જિલ્લામાં ફરી એકવાર નવાઈ પમાડે એવા લગ્નની ઘટના સામે આવી છે. આ વખતે એક યુવકે બે યુવતીઓ સાથે એક જ મંડપમાં, એક જ સમયે લગ્ન કરી લીધા છે. લગ્ન એ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ સાત વચન અને જીવનભર સાથે રહેવાનો કોલ હોય છે. પરંતુ આ યુવકે બે પ્રેમિકાઓને એક જ મંડપ નીચે સાત ફેરા લેવા માટે રાજી કરી લીધી.
આ ઘટના જિલ્લાના જેનૂર મંડલના અડેસરા ગામની છે. અહીંના યુવક અત્રામ ચતુષ્શ્વનો ચાર વર્ષથી ગામની જ એક યુવતી જંગૂબાઈ સાથે પ્રેમ સંબંધ હતો. બંને એક બીજાને લગ્નનો વાયદો પણ કરી ચૂકયા હતા. આ દરમિયાન ચતુષ્શ્વની મુલાકાત કેરમેરી મંડલની સાંગી ગામની સોન દેવી સાથે થઈ અને ધીમે ધીમે તેને પણ પ્રેમ કરવા લાગ્યો. જંગૂબાઈને આ બીજી છોકરી વિશે કોઈ માહિતી નહોતી.
થોડા દિવસો પહેલા જ્યારે જંગૂબાઈને પોતાના પ્રેમીની બીજી યુવતી સાથેના સંબંધ વિશે માહિતી મળી, તો તેણે ન્યાયની માંગ કરતા રાય સેન્ટરના દરવાજા ખખડાવ્યા. રાય સેન્ટર આદિવાસી સમાજમાં નિર્ણય લેતી પરંપરાગત પંચાયત જેવી સંસ્થા છે. બંને પરિવારને બોલાવવામાં આવ્યાં અને વાતચીત બાદ ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો.
રાય સેન્ટરની બેઠકમાં જ્યારે બંને છોકરીઓને પૂછવામાં આવ્યું કે, તે શું ઇચ્છે છે. તો બંનેએ ચોંકાવનારો જવાબ આપ્યો. તેઓએ બધાની સામે કહ્યું કે, તે ચતુષ્શ્વ સાથે લગ્ન કરવા માગે છે. પછી ભલે તે વધુ એક યુવતી સાથે લગ્ન કરી રહ્યો હોય. ત્યાર બાદ સમાજના વડીલોની હાજરીમાં ચતુષ્શ્વના બંને યુવતીઓ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યાં.
લગ્ન દરમિયાન ચતુષ્શ્વ પાસે એક આશ્વાસન પત્ર પણ લખાવવામાં આવ્યો, જેમાં તેણે કહ્યું કે, પોતાની બંને પત્નીઓની યોગ્ય સારસંભાળ રાખશે અને તેને દરેક પ્રકારનું સન્માન આપશે. જો કે આ આખી પ્રક્રિયા કાયદાકીય માપદંડો અનુસાર માન્ય ગણી શકાય નહીં.
એટલું જ નહીં, એક મહિના પહેલા આ જ જિલ્લાના સિરપુર મંડળના ગુન્નૂર ગામમાં પણ એક યુવકે બે છોકરીઓ સાથે એક સાથે લગ્ન કર્યા હતા. તે સમયે પણ સમાજમાં ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ પ્રશાસન કે કાયદા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં.
જો કે, સ્થાનિક આદિવાસી યુવાનો અને સમાજના જાણકારોનું કહેવું છે કે, તેના રીતિ રિવાજમાં એક પુરુષ દ્વારા એકથી વધુ વિવાહની કોઈ પરંપરા નથી. હા, જો પત્નીનું મળત્યુ થઈ જાય તો, બાળકોના ઉછેર માટે બીજા લગ્ન કરી શકે છે. પરંતુ એક જ સમય પર બે લગ્ન કરવા તેની પરંપરા વિરુદ્ધ છે.
કાયદાના જાણકારોનું કહેવું છે કે, ભારતીય કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિ એક સમયે માત્ર એક જ લગ્ન કરી શકે છે. જો કોઈ બીજા લગ્ન કરે છે, તો તે માન્ય ગણાશે નહીં અને માત્ર પહેલી પત્નીને જ માન્યતા મળશે. આ કેસમાં કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
