News of Sunday, 4th May 2025
રાજસ્થાનના કોટામાં એક લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈઃ ઘોડી પર બેઠેલા વરરાજા પર જીવલેણ હુમલો
જાનૈયાઓમાં અફરાતફરી મચીઃ આ હુમલો ચાકુથી કરવામાં આવ્યોઃ વરરાજાને પીઠ પર ગંભીર ઈજાઓઃ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

નવી દિલ્હીઃ રાજસ્થાનના કોટામાં એક લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. લગ્નની જાન લઈને જતા ઘોડી પર સવાર વરરાજા પર જીવલેણ હુમલો થયો. આ હુમલો ચાકુથી કરવામાં આવ્યો. આ ઘટનામાં વરરાજાને પીઠ પર ગંભીર ઈજાઓ થઈ. વરરાજાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ ઘટના ખાટખેડા ગામમાં બની હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં 25 વર્ષીય વરરાજા ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
આ ઘટના શુક્રવારે રાત્રે કોટાના ખાટખેડા ગામમાં એક લગ્ન સમારોહની છે. અહીં 25 વર્ષના વરરાજા પર જીવલેણ હુમલો થયો. આ ઘટના ત્યારે બની જ્યારે વરરાજા લક્ષ્મીનારાયણ ઘોડી પર સવાર થઈને જાનૈયાઓ સાથે દુલ્હનના ઘરે જઈ રહ્યો હતો. જ્યારે જાન ખાટખેડા ગામમાં પહોંચી, ત્યારે વિષ્ણુ બૈરવા નામનો એક યુવક તેના સાથીઓ સાથે પાછળથી આવ્યો અને અચાનક વરરાજા પર ચાકુ વડે હુમલો કરી દીધો. પોલીસે આ જાણકારી આપી છે.
દેવલીમાંજી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુરેશ કુમાર મીણાએ જણાવ્યું કે હુમલા પછી, લક્ષ્મીનારાયણ ઘોડી પરથી પડી ગયો અને જમીન પર બેભાન થઈ ગયો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, તેની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલી રહી છે. તેની પીઠ પર ગંભીર ઈજાઓ થઈ છે.
આ ઘટના બાદ થયેલ ઝપાઝપીમાં વરરાજાના પરિવારના કેટલાક સભ્યો પણ ઘાયલ થઈ ગયા. પરિવારની ફરિયાદના આધારે, બૈરવા અને તેના અજાણ્યા સાથીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 126 (ખોટી રીતે રોકવા) અને 115 (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી અને પીડિત બંને એક જ સમુદાયના છે પરંતુ હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
