<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

સિંધુ જળ સંધિ રદ કરવા પર બઘવાયું પાકિસ્તાન: પાકિસ્તાની રાજદૂતે ભારતને પરમાણુ હથિયારોની આપી ધમકી

જો ભારત નીચે તરફના પાણીને રોકે છે, વાળે છે, તો તે પાકિસ્તાન સામે એક્ટ ઑફ વૉર (યુદ્ધની કાર્યવાહી) માનવામાં આવશે. અને તેનો જવાબ સંપૂર્ણ તાકાતથી આપવામાં આવશેઃ ખાલિદ જમાલી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ધમકી આપી છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે અથવા તેની સિંધુ નદીનું પાણી રોકે છે, તો પાકિસ્તાન માત્ર પરંપરાગત જ નહીં પરંતુ પરમાણુ શસ્ત્રોથી પણ જવાબ આપશે.
એક રશિયન ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા, પાકિસ્તાની રાજદૂતે કહ્યું કે અમારી પાસે ભારતની લશ્કરી કાર્યવાહીની યોજનાઓ વિશે મજબૂત પુરાવાઓ છે. ખાલિદ જમાલીએ દાવો કર્યો કે કેટલાક લીક થયેલા દસ્તાવેજોમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હુમલો કરવાની યોજના છે. આનાથી અમને એવું લાગે છે કે હુમલો નજીક છે અને ગમે ત્યારે થઈ શકે છે.
પ્રાપ્‍ત માહિતી અનુસાર, જમીલે કહ્યું કે પાકિસ્તાન કોઈપણ હુમલાનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે, જેમાં પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના હથિયારોનો સમાવેશ થાય છે. સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણય અંગે જમાલીએ કહ્યું કે જો ભારત નીચે તરફના પાણીને રોકે છે, વાળે છે, તો તે પાકિસ્તાન સામે એક્ટ ઑફ વૉર (યુદ્ધની કાર્યવાહી) માનવામાં આવશે. અને તેનો જવાબ સંપૂર્ણ તાકાતથી આપવામાં આવશે.
જમાલીએ એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિઓ છે, તેથી તણાવ ઓછો કરવો ખૂબ જ જરૂરી છે. તેમણે કાશ્મીર હુમલાની તટસ્થ અને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય તપાસની ફરીથી માંગ કરી અને તેમાં ચીન અને રશિયાની ભાગીદારીની આશા વ્યક્ત કરી.
જમીલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી અને લશ્કરી તણાવ વધી ગયો છે. આ પછી ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય દળોને આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે ખુલ્લી છૂટ આપી દીધી છે. એટલું જ નહીં, પીએમ મોદીએ આતંકવાદીઓના સમર્થકોને કડક ચેતવણી આપતાં કહ્યું કે અમે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

(11:45 AM IST)