News of Sunday, 4th May 2025
ઓડિશામાં કાળબૈશાખીનો કહેર: પ્રચંડ પવન અને વરસાદથી ભારે નુકસાન : જુઓ વિડીયો
આગામી ૨૪ કલાકમાં પણ ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાશે

ભુવનેશ્વર: ઓડિશામાં આજે કાળબૈશાખીના કારણે પ્રચંડ પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો, જેના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે નુકસાનના અહેવાલ મળી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી મુજબ, ગઞ્જામ, ગજપતિ, મયૂરભંજ, બાલેશ્વર અને ભદ્રક જિલ્લાઓમાં ભારે વરસાદ અને ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલ. આ ચેતવણી આવતીકાલે સવારે ૮:૩૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.
ઓડિશાના અગ્રણી સમાચાર માધ્યમની પોસ્ટ મુજબ, ગઈકાલે મયૂરભંજ જિલ્લાના ઉદલા વિસ્તારમાં કાળબૈશાખીએ તાંડવ મચાવ્યું હતું. સાંજના સમયે પ્રચંડ ઝડપે ફૂંકાયેલા પવન અને વરસાદના કારણે મોટાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થયા હતા.
ટ્વીન સિટી (કટક અને ભુવનેશ્વર) સહિત અન્ય વિસ્તારોમાં પણ આ તોફાનની અસર જોવા મળી, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને વીજ પુરવઠો ખોરવાયો.
એક અહેવાલ અનુસાર, ગત સપ્તાહથી રાજ્યમાં વરસાદ અને તોફાનનો સિલસિલો ચાલુ છે. ૧ મેના રોજ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળીના ગડગડાટ અને ભારે વરસાદ પડ્યો હતો. જેની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી.
૩ મેના રોજ ૮ જિલ્લાઓમાં ધૂળના તોફાન સાથે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ.
ઓડિશાના સમાચાર માધ્યમોના અહેવાલો અનુસાર, આ તોફાનના કારણે ખેતીને પણ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને, ગઞ્જામ અને મયૂરભંજ જેવા જિલ્લાઓમાં ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થયું છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સ્થાનિક વહીવટીતંત્રે નુકસાનનું આકલન કરવાની કામગીરી શરૂ કરી દીધી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ૨૪ કલાકમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ઝડપી પવનની શક્યતા છે. નાગરિકોને ઘરની બહાર ન નીકળવા અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ ઘટનાને લઈને ઓડિશા સરકારે તમામ જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવા આદેશ આપ્યા છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
