News of Sunday, 4th May 2025
રિઝર્વ બેંક દ્વારા ICICI, એક્સિસ સહિત પાંચ મોટી બેંકોને નિયમનકારી પાલનના અભાવ બદલ દંડ ફટકારાયો
સાઇબર સુરક્ષા, KYC અને ક્રેડિટ-ડેબિટ કાર્ડના નિયમોનું ઉલ્લંઘન કારણભૂત : ICICI બેંકને સૌથી વધુ ₹ ૯૭.૮૦ લાખનો દંડ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ ICICI બેંક, બેંક ઓફ બરોડા અને એક્સિસ બેંક સહિત પાંચ ધિરાણકર્તા બેંકો પર દંડ લાદ્યો છે.
RBI દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ICICI બેંકને 'બેંકોમાં સાયબર સુરક્ષા માળખું', 'તમારા ગ્રાહકને જાણો (KYC)' અને 'ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ - ઇશ્યુ અને આચાર' અંગે RBI દ્વારા જારી કરાયેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹ ૯૭.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અન્ય એક નિવેદનમાં, RBIએ જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાને "બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી નાણાકીય સેવાઓ" અને "બેંકોમાં ગ્રાહક સેવા" અંગેની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹ ૬૧.૪૦ લાખનો દંડ લાદવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે IDBI બેંક લિમિટેડ પર "કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મેળવેલ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબસિડી યોજના" અંગેની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹ ૩૧.૮ લાખનો દંડ લાદ્યો છે.
બેંક ઓફ મહારાષ્ટ્રને KYC સંબંધિત કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹ ૩૧.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
એક્સિસ બેંકને પણ "આંતરિક/ઓફિસ ખાતાઓના અનધિકૃત સંચાલન" અંગેની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹ ૨૯.૬૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
તમામ કેસોમાં, RBIએ સ્પષ્ટતા કરી છે કે આ દંડ નિયમનકારી પાલનમાં રહેલી ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર કોઈ અભિપ્રાય આપવાનો નથી.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
