<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ૩,૩૦૦થી વધુ કંપનીઓના નામ સત્તાવાર રેકોર્ડ પરથી દૂર કરાશે

કંપનીઓએ જાતે જ નામ દૂર કરવા માટે અરજી કરી : મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭૦૦થી વધુ કંપનીઓ અને દિલ્હીમાં લગભગ ૫૦૦ કંપનીઓના નામ દૂર થશે

નવી દિલ્હી: કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ૩,૩૦૦થી વધુ કંપનીઓના નામ સત્તાવાર રેકોર્ડ પરથી દૂર કરવા જઈ રહ્યું છે. આ કંપનીઓએ પોતે જ પોતાના નામ હટાવવા માટે અરજી કરી હતી. મંત્રાલય પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર, કંપની એક્ટની જોગવાઈઓ હેઠળ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કંપની રજિસ્ટ્રાર (RoC) એ એપ્રિલ મહિનામાં આ કંપનીઓના નામ દૂર કરવા અંગે જાહેર નોટિસ બહાર પાડી હતી.
આ આંકડા દર્શાવે છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી ૩,૩૦૦થી વધુ કંપનીઓના નામ સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવશે. જેમાં મહારાષ્ટ્રમાં ૭૦૦થી વધુ, દિલ્હીમાં લગભગ ૫૦૦, કર્ણાટકમાં ૩૫૦થી વધુ અને ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ૨૦૦થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે.
RoCને કંપની એક્ટની કલમ ૨૪૮(૨) હેઠળ કંપનીઓ પાસેથી અરજીઓ મળી હતી. આ અરજીઓમાં જણાવાયું હતું કે કંપનીઓએ સ્થાપનાના એક વર્ષની અંદર ધંધો શરૂ કર્યો નથી અથવા તેઓ છેલ્લા બે નાણાકીય વર્ષથી કોઈપણ પ્રકારનો ધંધો કે કામગીરી કરી રહી નથી. આ કંપનીઓએ સત્તાવાર રેકોર્ડમાંથી તેમના નામ દૂર કરવાની વિનંતી કરી છે. કલમ ૨૪૮(૨) હેઠળ, કંપની પોતાની તમામ જવાબદારીઓ પૂરી કર્યા બાદ, ખાસ ઠરાવ દ્વારા અથવા ૭૫% સભ્યોની સંમતિથી કેટલીક શરતોને આધીન તેમના નામ દૂર કરવા માટે અરજી કરી શકે છે.
RoCએ એપ્રિલમાં જાહેર નોટિસ બહાર પાડીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું કોઈને આ કંપનીઓના નામ દૂર કરવા સામે કોઈ વાંધો છે કે કેમ. આ વર્ષે માર્ચના અંત સુધીમાં, દેશમાં નોંધાયેલી કુલ ૨૮,૫૨,૪૪૯ કંપનીઓમાંથી ૧૮,૫૦,૯૩૨ સક્રિય કંપનીઓ હતી. મંત્રાલયે તેના તાજેતરના માસિક માહિતી બુલેટિનમાં જણાવ્યું હતું કે, "૩૭ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં, મહારાષ્ટ્ર (૧૯%) સૌથી વધુ સક્રિય કંપનીઓ ધરાવતું રાજ્ય છે, ત્યારબાદ દિલ્હી (૧૪%) અને પશ્ચિમ બંગાળ (૮ ટકા) છે. ફેબ્રુઆરી ૨૦૨૫ની સરખામણીમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં સક્રિય કંપનીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જમ્મુ અને કાશ્મીરમાં ફેબ્રુઆરી ૨૦૨૫ની સરખામણીમાં કંપનીઓની સંખ્યામાં ૧૪૩નો વધારો થયો છે."

 

(6:56 PM IST)