<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) નો મોટો નિર્ણય : ભારતીય સમાચાર ચેનલોની ચર્ચાઓમાં પાકિસ્તાની પેનલિસ્ટો પર પ્રતિબંધ

પહેલગામમાં પ્રવાસીઓ પરના હુમલા બાદ કાર્યવાહી : ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરનારા પાકિસ્તાની કોમેન્ટેટર્સને નહીં બોલાવાય

નવી દિલ્હી: ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. NBDAએ તમામ ભારતીય સમાચાર ચેનલોની ચર્ચાઓમાં પાકિસ્તાનના તમામ પેનલિસ્ટો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
NBDA દ્વારા તમામ એડિટર્સને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા તાજેતરના હુમલાને ધ્યાનમાં રાખીને, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચેનલો દ્વારા તેમના કાર્યક્રમોમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરનારા પાકિસ્તાની કોમેન્ટેટર્સને આમંત્રિત કરવા તરફ ધ્યાન દોર્યું છે.
NBDAના એડિટર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના કાર્યક્રમોમાં પાકિસ્તાનના એવા પેનલિસ્ટો, સ્પીકર્સ અને કોમેન્ટેટર્સને આમંત્રિત કરવાનું ટાળે, જેઓ રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાને નબળી પાડનારા અને આપણા દેશ વિરુદ્ધ બોલનારા વિચારોને સમર્થન કરવા માટે જાણીતા છે.
એડિટર્સને તેમ પણ વિનંતી કરવામાં આવે છે કે ચેનલો/ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખોટા પ્રચાર માટે ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરની સંપાદકીય વિવેકબુદ્ધિ અને નિર્ણયનો ઉપયોગ કરે. આ સાથે અનુપાલન સુનિશ્ચિત કરવા માટે, આ એડવાઈઝરી તમામ સંબંધિત સંપાદકીય કર્મચારીઓને પરિચિત કરાવવામાં આવે.
આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે લેવામાં આવ્યો છે, જેમાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા હતા. NBDAનું માનવું છે કે પાકિસ્તાની પેનલિસ્ટો દ્વારા ભારતીય ચેનલો પર ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવે છે, જે રાષ્ટ્રહિતમાં નથી. આ પ્રતિબંધથી ભારતીય સમાચાર ચેનલો પર ભારત વિરુદ્ધના પ્રચારને રોકવામાં મદદ મળશે.

 

(8:09 PM IST)