તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
IT: ટોચના કરદાતાઓ ઉપર ધ્યાન રાખી બોગસ ક્લેઈમ કરનારાઓ ઉપર ત્રાટકશે
૨૦૨૫-૨૬માં રૂ.૨૫.૨૦ લાખ કરોડનો ટેક્સ એક્ત્ર કરવાનું લક્ષ્ય : ટોપ ૫૦૦૦ બાકીદારોના કર માગણા અંગે ઉચ્ચ સ્તરે મોનિટરિંગ થશે

નવી દિલ્હી,તા.૦૫: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ(સીબીડીટી) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નો રૂા.૨૫.૨૦ લાખ કરોડનો ટેક્સ કલેકશનનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે.
સરકારે જાહેર કરેલના સેન્ટ્રલ એક્શન પ્લાનમાં બાકી માંગણા ઘટાડવા (એરિયર ડિમાન્ડ) બાબતને મહત્વ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ૧૦ ટકા નવા કરદાતાઓ ઉમેરવા માટે પણ પગલાં લેવામાં આવનાર છે. સેન્ટ્રલ એકશન પ્લાનમાં ટોચના ૫૦૦૦ બાકીદારો પાસે કર માગણા અંગે રાષ્ટ્રિય સ્તરે સિનિયર અધિકારીઓની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
સીબીડીટી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના રૂ.૨૫.૨૦ લાખ કરોડના કર સંગ્રહ (ટેક્સ કલેકશન)ના જાહેર કરાયેલા લક્ષ્યાંકમાં કોર્પોરેટ ટેક્સ દ્વારા રૂા.૧૦,૮૨,૦૦૦ કરોડ અને નોન કોર્પોરેટ ટેક્સ ( જેમાં વ્યક્તિગત આવકવેરા અને અન્ય) અંતર્ગત રૂા.૧૩,૬૦,૦૦૦ કરોડ તથા સિકયુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી) અંતર્ગત રૂા.૭૮,૦૦૦ કરોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે, સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂા.૨૨,૩૭,૦૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે ગ્રોસ કલેકશન રૂા.૨૭.૦૨ લાખ કરોડ હતું. રિફંડની રકમ બાદ કરતાં ચોખ્ખુ કલેકશન રૂા.૨૨.૨૬ લાક કરોડ થયું હતું. સીએપીમાં ઈન્કમટેકસ વિભાગને જણાવાયું છેકે, ટેક્સ કલેકશન માટે ખાસ વિશ્લેષણ કરવું જરૂરી છે. વ્યક્તિઓ અને કંપનીઓ સહિત ટોચના કરદાતાઓ પર મોનિટરિંગ કરવું જરૂરી છે. જરૂર પડે તેમને એડવાન્સ ટેક્સના પુનઃ મૂલ્યાંકન કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. એડવાન્સ ટેક્સ એ ટેક્સ રકમ છે, જે એક નાણાંકીય વર્ષમાં ત્રિમાસિક ધોરણે કરદાતા ચૂકવણી કરે છે. આ બાબત સરકાર માટે સુચારુ ટેક્સ કલેકશન સુવિધા પ્રદાન કરે છે. બીજી તરફ કરદાતાઓને વર્ષના અંતમાં એક સાથે મોટો આર્થિક બોજો પણ આવતો નથી. ઈન્કમટેક્સ વિભાગને કર મુક્તિ અને કર કપાતના ખોટા દાવા કરનારાઓને પણ ઓળખી કાઢવા માટે જણાવાયું છે. ખોટી કર મુક્તિનો લાભઅને કરકપાત દ્વારા સરકારની આવકને અસર પડતી હોય છે. ઈન્કમટેક્સ વિભાગને બાકી કર (એરિયર) અને ચાલુ માગણાના સંદર્ભમાં વિશેષ ધ્યાન આપવા અને અનુપાલન ન કરતા કરદાતાઓના કેસમાં કાર્યવાહી કરવા માટે પણ જણાવાયું છે.(૪૦.૯)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
