તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
અમેરિકામાં રહેતાં ઈન્ડિયન્સ વર્ષે કેટલા ડોલર્સ કમાય છે?
અમેરિકામાં ભલે ડોલરના ઝાડ ના હોય પરંતુ ત્યાં રહેતા ઈન્ડિયન્સ કમાણી કરવામાં જરાય પાછળ નથી, ૬૨ ટકા ઈન્ડિયન્સ પોતાનું ઘર ધરાવે છે :૧૬ વર્ષથી વધુની ઉંમર ધરાવતા ઈન્ડિયન અમેરિકન્સ ૨૦૨૩માં વર્ષના એવરેજ ૮૫,૩૦૦ ડોલર કમાતા હતા.અમેરિકામાં રહેતી ઈન્ડિયન ફેમિલીઝની વાર્ષિક આવક ૨૦૨૩માં ૧.૫૧ લાખ ડોલર હતી

ન્યૂયોર્ક,તા.૦૫: અમેરિકામાં ભલે ડોલરના ઝાડ ના હોય પરંતુ ત્યાં રહેતા ઈન્ડિયન્સ કમાણી કરવામાં જરાય પાછળ નથી, પ્યૂ રિસર્ચ દ્વારા યુએસમાં રહેતા ઈન્ડિયન્સ પર તૈયાર કરાયેલો એક રિસર્ચ રિપોર્ટ તાજેતરમાં જ પબ્લિશ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે ૧૬ વર્ષથી વધુની ઉંમર ધરાવતા ઈન્ડિયન અમેરિકન્સ ૨૦૨૩માં વર્ષના એવરેજ ૮૫,૩૦૦ ડોલર કમાતા હતા જ્યારે અમેરિકામાં રહેતા એશિયન્સની એવરેજ માથાદીઠ વાર્ષિક આવક ૫૨,૪૦૦ જેટલી છે. મતલબ કે યુએસમાં રહેતા એશિયન્સમાં ઈન્ડિયન્સ કમાણી કરવામાં ખાસ્સા આગળ છે. જ્યારે ફુલ ટાઈમ કામ કરતા ઈન્ડિયન્સની વાર્ષિક કમાણી ૧,૦૬,૪૦૦ ડોલર જેટલી થાય છે.
હવે જો હાઉસહોલ્ડ ઈનકમ એટલે કે ફેમિલી ઈનકમની વાત કરીએ તો અમેરિકામાં રહેતી ઈન્ડિયન ફેમિલીઝની વાર્ષિક આવક ૨૦૨૩માં ૧.૫૧ લાખ ડોલર હતી, નવાઈની વાત એ છે કે અમેરિકામાં જ જન્મેલા મૂળ ઈન્ડિયન કરતાં ઈન્ડિયાથી યુએસમાં શિફ્ટ થયેલી ફેમિલીની આવક વધારે છે. હવે જો ગરીબીમાં જીવતા ઈન્ડિયન્સની વાત કરીએ તો લગભગ ૬ ટકા ઈન્ડિયન્સ અમેરિકામાં ગરીબીમાં જીવે છે. જોકે, હાઉસઓનરશિપમાં ઈન્ડિયન્સ પાછા ખાસ્સા આગળ છે, પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર અમેરિકામાં રહેતા ૬૨ ટકા ઈન્ડિયન્સ પોતાનું ઘર ધરાવે છે.
એવું કહેવાય છે કે દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા ઈન્ડિયન્સ પોતાનો ધર્મ અને કલ્ચર કયારેય નથી છોડતા, અમેરિકાની જ વાત કરીએ તો ત્યાં રહેતા ૪૮ ટકા ઈન્ડિયન્સ હિન્દુ અને ૧૫ ટકા ક્રિ?યિન્સ છે જ્યારે કુલ એશિયન્સમાં હિન્દુઓનું પ્રમાણ ૧૧ ટકા થાય છે. ઈન્ડિયામાં લગ્નજીવન એ કલ્ચરનો એક ભાગ છે અને ઈન્ડિયન્સ ફેમિલીમાં રહેનારી કોમ્યુનિટી છે, યુએસમાં પણ જેટલા ઈન્ડિયન એડલ્ટ્સ રહે છે તેમાંથી ૭૦ ટકા મેરિડ છે, જ્યારે અમેરિકામાં જ જન્મેલા ઈન્ડિયન્સમાંથી ૩૫ ટકા જ મેરિડ છે.
યુએસમાં જેમ ઈન્ડિયન્સ કમાણીમાં આગળ છે તેમ ભણવામાં પણ આગળ છે, પ્યૂ રિસર્ચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા ૭૭ ટકા ઈન્ડિયન અમેરિકન્સમાંથી ૭૭ ટકા પાસે બેચલર્સ ડિગ્રી છે, જેમાં ૩૧ ટકા પાસે એડવાન્સ્ડ ડિગ્રી છે, જ્યારે એશિયન્સમાં આ પ્રમાણ ૫૬ ટકા જેટલું જ છે. હવે જો સરેરાશ ઉંમર પર નજર કરીએ તો ઈન્ડિયન અમેરિકન્સની એવરેજ એજ ૩૪.૨ વર્ષ છે, જેમાં ૭ ટકા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અને ૧૩ ટકા ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવે છે.
૨૦૨૩ના આંકડા પ્રમાણે અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સની કુલ સંખ્યા ૫.૨ મિલિયન જેટલી થાય છે જેમાં ૨૦ ટકા માત્ર કેલિફોર્નિયામાં રહે છે જ્યારે ત્યારબાદ ટેક્સસ બીજા નંબરે આવે છે જ્યાં ઈન્ડિયન્સની વસ્તી ૫.૭૦ લાખ છે અને ન્યૂજર્સી ૪.૪૦ લાખની ઈન્ડિયન પોપ્યૂલેશન સાથે ત્રીજા જ્યારે ન્યૂયોર્ક ૩.૯૦ લાખ સાથે ચોથા નંબરે આવે છે અને પાંચમા નંબરે ૨.૭૦ લાખની પોપ્યૂલેશન સાથે ઈલીનોય છે.
યુએસમાં બોલાતી ઈન્ડિયન ભાષામાં હિન્દી ટોપ પર છે, જેને બોલનારા લોકોની સંખ્યા નવેક લાખ જેટલી છે જ્યારે ત્યારબાદ તેલુગુ સેકન્ડ નંબર પર આવે છે જેને બોલનારા લોકોનો આંકડો ૫.૫ લાખ જેટલો થાય છે અને ગુજરાતી અમેરિકામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભારતીય ભાષા છે, જેને બોલનારા લોકોની સંખ્યા પાંચ લાખ જેટલી છે અને પછી તમિળનો નંબર આવે છે. યુએસમાં રહેતા ઈન્ડિયન ઈમિગ્રન્ટ્સમાં ૬૦ ટકા લોકો ૧૦ વર્ષથી વધુ સમયથી રહે છે અને ૫૧ ટકા નેચરલાઈઝ્ડ સિટીઝન્સ છે.(૪૦.૩)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
