<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કોરાટ ચોકમાં કાળમુખા ટ્રકે બે ટુવ્‍હીલરને ઉલાળતાં ગોંડલના સાસુ-વહુના મોતઃ બંનેના પતિનો બચાવ

રાજકોટની પુત્રવધુ જાનવીના ભાણેજના જનોઇ પ્રસંગમાંથી બે ટુવ્‍હીલર પર રાજકોટથી પરત જતી વખતે રાતે બનાવઃ વાહન આવતાં નથી ને એ જોવા પિતા-પુત્રએ પોતાના ટુવ્‍હીલર સ્‍હેજ ધીમા પાડયા ત્‍યાં પાછળથી ટ્રકે ઉલાળી દીધા : જ્‍યોતિબેન મનોજભાઇ બાવનીયા (ઉ.વ.૪૯) અને પુત્રવધૂ જાનવી વ્‍યોમ બાવનીયા (ઉ.વ.૨૩)ના કમકમાટી ભર્યા મોતઃ મનોજભાઇ હરદાસભાઇ બાનવીયા (ઉ.વ.૫૨) અને પુત્ર વ્‍યોમ મનોજભાઇ બાવનીયા (ઉ.વ.૨૫)નો નજીવી ઇજા સાથે બચાવઃ જીવલેણ અકસ્‍માત સર્જી ભાગેલા ટ્રકચાલકને આગળથી પોલીસે દબોચ્‍યોઃ હિટ એન્‍ડ રનનો ગુનો નોંધવા પરિવારજનોની માંગણીઃ શાપર પોલીસે કાર્યવાહી કરી : જાનવી બાવનીયા પતિ સાથે ઠોકરે ચડયા બાદ ટ્રકની ઠોકરે સાતસો ફુટ સુધી ઢસડાયાઃ માથાનો છુંદો બોલી ગયોઃ એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં : એક સાથે પત્‍નિઓ ગુમાવનાર પિતા-પુત્રને સવાર સુધી ઘટનાથી અજાણ રખાયા હતાં: મનોજભાઇ પતંજલી સ્‍ટોરમાં નોકરી કરે છેઃ તેમનો પુત્ર વ્‍યોમ ગોંડલ નજીક કંપનીમાં એન્‍જિનીયર છેઃ બંનેનો ચમત્‍કારીક બચાવ

ગોઝરા અકસ્‍માતમાં એક સાથે મોતને ભેટલા સાસુ જ્‍યોતિબેન મનોજભાઇ બાવનીયા અને પુત્રવધૂ જાનવી વ્‍યોમ બાવનીયાના ફાઇલ ફોટો, તેમના નિષ્‍પ્રાણ દેહ અને આ અકસ્‍માતમાં બચી ગયેલા પિતા-પુત્ર મનોજભાઇ હરદાસભાઇ બાવનીયા તથા વ્‍યોમ હરદાસભાઇ બાવનીયા જોઇ શકાય છે

રાજકોટ તા. ૫: ગોંડલ રોડ પર કોરાટ ચોક પાસે મોડી રાતે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ટ્રકે બે અલગ અલગ ટુવ્‍હીલરને ઉલાળતાં ગોંડલના સાસુ-વહુના કમકમાટી ભર્યા મોત થયા હતાં. ગોંડલ કૈલાસબાગના બાવનીયા-બાવાજી પરિવારના પુત્રવધૂના ભાણેજનો રાજકોટમાં જનોઇ પ્રસંગ હોઇ તેમાં તેણી પોતાના પતિ અને સાસુ-સસરા સાથે હાજરી આપવા આવી હતી. રાતે પ્રસંગ પુરો થતાં ચારેય પરત ગોંડલ જવા રવાના થયા ત્‍યારે ગોંડલ રોડ કોરાટ ચોકમાં હાઇવે પર પહોંચ્‍યા ત્‍યારે બીજા વાહનો આવતાં નથી ને તે જોવા પિતા-પુત્રએ પોતાના વાહનો સ્‍હેજ ધીમા પાડયા ત્‍યાં જ પાછળથી કાળમુખા ટ્રકે બંને વાહનને ઉલાળી દીધા હતાં. જમાં પુત્રવધૂ જે વાહનમાં હતી તેણી ટ્રકમાં ફસાઇ જતાં  આશરે સાતસો ફુટ સુધી ઢસડાઇ ગઇ હતી. ચારેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સાસુ અને વહુના મૃત્‍યુ થયા હતાં. જ્‍યારે પિતા-પુત્રનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

કરૂણ ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ ગોંડલના કૈલાસબાગ-૭માં રહેતાં  જાનવી વ્‍યોમ બાવનીયા (ઉ.વ.૨૩)ના રાજકોટ રહેતાં ભાણેજ રીષી રજનીભાઇ દેવમુરારીનો ગઇકાલે રવિવારે નવા ૧૫૦ રીંગ રોડ કટારીયા ચોકડી નજીક ભાવભુમી પાર્ટીપ્‍લોટ ખાતે જનોઇ પ્રસંગ હોઇ તેમાં સામેલ થયા જ્‍યોતિ તેના પતિ વ્‍યોમ મનોજભાઇ બાવનીયા (ઉ.વ.૨૫) તથા સાસુ જ્‍યોતિબેન મનોજભાઇ બાવનીયા (ઉ.વ.૪૯) અને સસરા મનોજભાઇ હરદાસભાઇ બાવનીયા (ઉ.વ.૫૨) સાથે રાજકોટ આવી હતી. બંને અલગ અલગ ટુવ્‍હીલર પર અહિ આવ્‍યા હતાં.

રાતે પ્રસંગ પુરો થયા બાદ મનોજભાઇ  પોતાના ટુવ્‍હીલર પર પત્‍નિ જ્‍યોતિબેનને બેસાડીને અને તેમનો દિકરો વ્‍યોમ પોતાના પત્‍નિ જાનવીને પોતાના ટુવ્‍હીલરમાં બેસાડી  ચારેય ગોંડલ જવા રવાના થયા હતાં. રાતે એકાદ વાગ્‍યે બંને પિતા-પુત્ર ગોંડલ ચોકડી કોરાટ ચોકમાં પહોંચ્‍યા ત્‍યારે રોડ પર બીજા વાહનો નથી આવતાં ને તે જોવા પોતાના વાહનો સ્‍હેજ ધીમા પાડી  ઉભા રાખ્‍યા હતાં. આ વખતે જ પાછળથી તોતીંગ ટ્રક ધસી આવ્‍યો હતો અને પિતા-પુત્ર બંનેના ટુવ્‍હીલરને ઉલાળીને ભાગી ગયો હતો. આ વખતે વ્‍યોમના પત્‍નિ જાનવી ટ્રકની ઠોકરે આવી ગયા બાદ તેમાં ફસાઇ જતાં ઢસડાઇ ગયા હતાં.

આ બનાવને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં ટ્રકની પાછળ દોડયા હતાં. જો કે ચાલક ટ્રક લઇ ભાગ્‍યો હતો. એ પછી આગળ જતાં પેટ્રોલીંગમાં રહેલી પોલીસે ટ્રક પકડી લીધો હતો.

 


 

અકસ્‍માતના બનાવની વિગતો જણાવતાં મૃતક સાસુ-વહુના સગા સંબંધી, પરિવારજનો  : મોડી રાતે જ્‍યાં અકસ્‍માત સર્જાયો તે ગોંડલ રોડ પર કોરાટ ચોકમાં ઘટના સ્‍થળે લોકોના ટોળા, મૃતદેહ જોઇ શકાય છે (ફોટોઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:40 PM IST)