News of Monday, 5th May 2025
અદાણીની ટીમ ટ્રમ્પના અધિકારીઓને મળીઃ શું કેસ બંધ થશે?
બેઠક અદાણી સામેના લાંચના આરોપોને પડતા મૂકવા માટે યોજાઈ હતી

નવી દિલ્હી, તા.૫: ગૌતમ અદાણીની કંપનીઓના પ્રતિનિધિઓએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર, આ બેઠક અદાણી સામેના લાંચના આરોપોને પડતા મૂકવા માટે યોજાઈ હતી. આ કેસ સાથે સંકળાયેલા લોકોએ આ માહિતી આપી છે.
આ વાટાઘાટો આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ હોવાનું અહેવાલ છે. તાજેતરના અઠવાડિયામાં આ મુદ્દાએ વેગ પકડ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જો બધું બરાબર રહ્યું તો આગામી એક કે બે મહિનામાં ઉકેલ મળી શકે છે. એક સૂત્રએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે, અદાણીના પ્રતિનિધિઓ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના પર કેસ ચલાવવો એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતાઓ સાથે સુસંગત નથી. તેથી, આનો પુનર્વિચાર કરવો જોઈએ.
ગયા વર્ષે નવેમ્બરમાં, યુએસ અધિકારીઓએ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર આરોપ મૂકયો હતો. તેમના પર ભારતીય વીજ પુરવઠાના કરાર મેળવવા માટે લાંચ આપવાનો અને ભંડોળ એકત્ર કરતી વખતે યુએસ રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે.
SEC (સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) એ અદાણી અને તેમના ભત્રીજાને સમન્સ મોકલ્યા હતા. SECનો આરોપ છે કે તેમણે ભારતીય અધિકારીઓને લાખો ડોલરની લાંચ આપી હતી. ઉપરાંત, ૭૫૦ મિલિયન ડોલરના અદાણી ગ્રીન એનર્જી બોન્ડની ઓફર દરમિયાન લાંચ વિરોધી નિયમોનું ખોટું પાલન કરવામાં આવ્યું હતું.
અગાઉ, યુએસ સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીની તપાસમાં ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયની મદદ માંગી હતી. આ તપાસ કથિત સિકયોરિટીઝ છેતરપિંડી અને ઼૨૬૫ મિલિયનની લાંચ યોજના સાથે સંબંધિત હતી. રોઇટર્સે કોર્ટ ફાઇલિંગને ટાંકીને આ સમાચાર આપ્યા છે.
SECનો દાવો છે કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ખોટા નિવેદનોના આધારે યુએસ અને વિદેશી રોકાણકારો પાસેથી ૨ બિલિયન એકત્ર કર્યા. તે જ સમયે, DoJ (ન્યાય વિભાગ)નો આરોપ છે કે અદાણીની કંપનીએ અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરતી વખતે ચાલુ લાંચના આરોપોને છુપાવ્યા હતા, જેનાથી યુએસ સિકયોરિટીઝ એક્ટનું ઉલ્લંઘન થયું હતું. અદાણી ગ્રુપે લાંચના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તમામ શકય કાનૂની માર્ગો શોધવામાં આવશે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
