<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

સારા સમાચાર : હવે ૧૦૦ ચોરસ મીટર સુધીના મકાન માટે નકશો પાસ કરાવવાની જરૂર નહીં!

ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય : નાના અને મધ્યમ વ્યવસાયોને પ્રોત્સાહન આપવા બિલ્ડિંગ બાયલોઝમાં ફેરફાર : ઊંચી ઇમારતોના નિર્માણને પ્રોત્સાહન

ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય : નાના અને મધ્યમ વ્યવસાયોને પ્રોત્સાહન આપવા બિલ્ડિંગ બાયલોઝમાં ફેરફાર : ઊંચી ઇમારતોના નિર્માણને પ્રોત્સાહનલખનૌ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શહેરી વિસ્તારોમાં નાના અને મધ્યમ કદના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે બિલ્ડિંગ બાયલોઝમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઊંચી ઇમારતોના નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે. આ અંતર્ગત ૧૦૦ ચોરસ મીટર સુધીના રહેણાંક પ્લોટ પર મકાન બનાવવા માટે હવે નકશો પાસ કરાવવાની જરૂર રહેશે નહીં. તેવી જ રીતે, ૩૦ ચોરસ મીટર સુધીના પ્લોટ પર દુકાન બનાવવા માટે પણ નકશો પાસ કરાવવો પડશે નહીં.
સરકારની યોજના મુજબ, હવે શહેરોમાં ઊંચાઈની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે અને વધુ બાંધકામ વિસ્તાર (બિલ્ટ-અપ એરિયા)ને મંજૂરી આપવામાં આવશે. આ સાથે, જો કોઈ પ્લોટનું ક્ષેત્રફળ ૫૦૦ ચોરસ મીટર સુધીનું હોય અને તેનો નકશો કોઈ રજિસ્ટર્ડ પ્રોફેશનલ (જેમ કે આર્કિટેક્ટ) દ્વારા અધિકૃત હોય, તો તેને મંજૂરી મળી જશે. આ માટે, આવાસ વિકાસ સત્તામંડળોને ઓનલાઈન ટ્રસ્ટ-બેઝ્ડ મેપ એપ્રુવલ સિસ્ટમ વિકસાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે માની લઈશું કે તમામ નિયમોનું પાલન થયું છે અને નકશો યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો છે, બશર્તે તે વિકાસ સત્તામંડળની મંજૂર યોજના હેઠળ આવતો હોય. ગેરમાન્ય લેઆઉટમાં બાંધકામની મંજૂરી આપવામાં આવશે નહીં."
નવા બિલ્ડિંગ બાયલોઝ હેઠળ, ૪૫ મીટરથી પહોળા રસ્તાઓ પરના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ડેવલપર્સને વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવશે. મોટાભાગની કેટેગરીઓ જેમ કે રહેણાંક, કોમર્શિયલ અને મિક્સ્ડ યુઝમાં ફ્લોર એરિયા રેશિયો (FAR)ને ૩૦૦% સુધી વધારવામાં આવશે. જ્યારે, ૪૫ મીટરથી પહોળા રસ્તાઓ પર અનલિમિટેડ FARની મંજૂરી આપવામાં આવશે.
વકીલો, ડોક્ટરો, સીએ, આર્કિટેક્ટ્સ જેવા પ્રોફેશનલ્સને પણ નકશો પાસ કરાવ્યા વિના ૨૫% વધારાના FARનો લાભ મળશે. તેવી જ રીતે, નર્સરી સ્કૂલ, ડે-કેર સેન્ટર, હોમસ્ટે અને અન્ય નાના વ્યવસાયોને પણ આ છૂટછાટ આપવામાં આવશે.
આવાસ વિભાગ સમયબદ્ધ મંજૂરી પ્રણાલી લાગુ કરશે, જેના હેઠળ જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ વાંધો નહીં આવે તો પ્રોજેક્ટ્સને "ડીમ્ડ એપ્રુવલ" મળી જશે. આ ફેરફારોના મુસદ્દાને વિભાગની વેબસાઈટ અને તમામ વિકાસ સત્તામંડળોની કચેરીઓમાં ૧૫ દિવસ માટે લોકોના અભિપ્રાય માટે મૂકવામાં આવશે. વાંધાઓ અને સૂચનો મંગાવ્યા બાદ સુનાવણી થશે અને ત્યારબાદ નીતિને કેબિનેટની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

 

(1:41 PM IST)