<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

હરિયાણાના ગુરુગ્રામમાં એક હૃદયદ્રાવક ઘટના : કાળી ટ્રોલી બેગમાં લોહીથી લથબથ મહિલાનો મૃતદેહ મળ્યો

રસ્તાના કિનારે મહિલાનો મૃતદેહ કાળી ટ્રોલી બેગમાં ભરીને ત્યાં જ છોડી દેવાયો : મૃતદેહની ઓળખ કરનારને 25 હજારનું ઇનામ જાહેર

હરિયાણાના ગુરુગ્રામથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં શિવ નાદર સ્કૂલ પાસે રસ્તાના કિનારે લોહીથી લથપથ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કાળી ટ્રોલી બેગમાં ભરીને ત્યાં જ છોડી દેવામાં આવ્યો હતો. પોલીસે રવિવારે આ માહિતી આપી.

પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહના માથા પર ઊંડા ઈજાના નિશાન હતા અને તેની ઓળખ હજુ સુધી થઈ નથી. ગુરુગ્રામ પોલીસે મૃતદેહની ઓળખ કરનારને 25,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હત્યા માટે FIR નોંધવામાં આવી છે અને પોલીસ નજીકના વિસ્તારોના CCTV ફૂટેજ સ્કેન કરી રહી છે. ત્યારે મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મૃતકની ઉંમર લગભગ 30 થી 35 વર્ષની છે. તેમણે કહ્યું કે પોલીસના ગુના સ્થળ, ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની ટીમોએ ફરીદાબાદ રોડ પર ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતદેહને કોઈ અન્ય જગ્યાએથી લાવીને અહીં ફેંકી દેવામાં આવ્યો છે.

ગુરુગ્રામ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "મૃતક વ્યક્તિએ લીલા રંગનુ ટોપ અને લીલા રંગની જીન્સ પહેરી હતી અને તેના જમણા હાથમાં બંગડી હતી. તેના જમણા કાંડા પર ટેટૂ અને ડાબા હાથમાં બ્રેસલેટ છે. તેના ડાબા અંગૂઠા પર 8 નંબરનું ટેટૂ છે અને તેના ડાબા ખભા નીચે કાળા અને લાલ રંગમાં 'મા' શબ્દ લખેલો છે."

પ્રવક્તાએ કહ્યું, "અમે મૃતકની ઓળખ માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહ્યા છીએ અને મૃતકની ઓળખ કરનાર વ્યક્તિને 25,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે." માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે

(1:42 PM IST)