<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

પુંછમાં સુરક્ષાબળોએ પાંચ આઈઈડી જપ્ત કરી મોટો આતંકી હુમલો નિષ્ફળ કર્યો: ઓપરેશન સતત ચાલુ: આ વિસ્તાર આતંકીઓનો છુપો અડ્ડો હોવાની આશંકા: એલઓસી પર પાકિસ્તાનનો એક ધારો બેફામ ગોળીબાર ચાલુ

પુંછમાં આઈઈડીની બરામદગી એ સ્થાનિક આતંકી નેટવર્કની મોટી યોજનાનો ભાગ હોવાનો સંદેહ: સુરક્ષાબળો દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને બાજ નજર

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષાબળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સોમવારે પુંછના સુરનકોટ વિસ્તારમાં મરહોટ ગામમાં આતંકીઓના અડ્ડાનો પર્દાફાશ કરીને પાંચ આઈઈડી (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ), બે વાયરલેસ સેટ, યુરિયાના પાંચ પેકેટ, એક ગેસ સિલિન્ડર, દૂરબીન, ત્રણ ઊનની ટોપી, ત્રણ ધાબળા અને કેટલાક કપડાં જપ્ત કર્યા છે. આ આઈઈડીનું વજન અડધો કિલોગ્રામથી પાંચ કિલોગ્રામની વચ્ચે હતું, જેને નિયંત્રિત વિસ્ફોટ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા. આ કાર્યવાહીથી આતંકીઓના સીમાવર્તી જિલ્લામાં વિસ્ફોટના ષડયંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું.

આ ઓપરેશન રવિવારે મોડી રાત્રે સુરનકોટના મરહોટે વિસ્તારમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન જૂથ દ્વારા સંયુક્ત શોધખોળ દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બે આઈઈડી સ્ટીલની બાલટીમાં અને ત્રણ ટિફિન બોક્સમાં પેક કરેલા હતા. સુરક્ષાબળોનું ઓપરેશન હજુ ચાલુ છે, કારણ કે આ વિસ્તાર આતંકીઓનો છુપા અડ્ડો હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ, પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રણ રેખા (એલઓસી) પર લગભગ તમામ સેક્ટરમાં સતત ૧૧મી રાત્રે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ૪ અને ૫ મેની રાત્રે પણ પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા, પુંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં બિનઉશ્કેરણીય ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ પૂરતો જવાબ આપ્યો. આ ગોળીબાર પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની પૃષ્ઠભૂમિમાં થઈ રહ્યો છે, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા.

કેટલાક અહેવાલો અનુસાર, પુંછમાં આઈઈડીની બરામદગી એ સ્થાનિક આતંકી નેટવર્કની મોટી યોજનાનો ભાગ હોવાનું સંદેહ છે. સુરક્ષાબળો દ્વારા વધુ તપાસ ચાલુ છે, અને આ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરીને નજર રાખવામાં આવી રહી છે.

(1:45 PM IST)