<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વોટર વોર:ભારતે ચિનાબ નદીનું પાણી રોક્યું: પાકિસ્તાનમાં પાણીની ભારે કટોકટીનો ખતરો: જળસ્તર ઐતિહાસિક રીતે નીચું ગયું: ભારત કહે છે કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓના જવાબમાં લેવાયું છે

કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો ચિનાબ નદીને પગપાળા પાર કરી રહ્યા છે: ઈતિહાસમાં પ્રથમ ઘટના: પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતોમાં નદીના જળસ્તરમાં ભારે ઘટાડો સર્જાયો

જમ્મુ: ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ ચિનાબ નદીનું પાણી રોકી દેતાં પાકિસ્તાનમાં પાણીની ભારે કટોકટીનો ખતરો ઊભો થયો છે. ચિનાબ નદી પરના સલાલ અને બગલિહાર બાંધના ગેટ બંધ કરવામાં આવતાં અખનૂરમાં નદીનું જળસ્તર ઐતિહાસિક રીતે નીચું ગયું છે. કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો ચિનાબ નદીને પગપાળા પાર કરી રહ્યા છે, જે ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. આનાથી પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતોમાં નદીના જળસ્તરમાં ભારે ઘટાડો થયો છે.

 

ભારતે સિંધુ જળ સંધિને રદ કર્યાના ૧૦ દિવસની અંદર આ પગલું ભર્યું છે. ચિનાબ નદી પરના બગલિહાર બાંધને અગાઉ 'રન ઓફ ધ રિવર' હાઈડ્રો પાવર પ્લાન્ટ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો હતો, જે પાણીના પ્રવાહને રોક્યા વિના વીજળી ઉત્પન્ન કરતો હતો. જોકે, હવે બાંધના ગેટ બંધ કરવાથી પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત, ભારતે કિશનગંગા-રતલે જળ વિદ્યુત પરિયોજના અંગે વર્લ્ડ બેન્કમાં ચાલી રહેલી સુનાવણીને સ્થગિત કરવાની માંગ કરી છે, જેમાં ટૂંક સમયમાં તટસ્થ નિષ્ણાતને અનુરોધપત્ર મોકલવામાં આવશે.

 

આ પગલાંને ભારતની કૂટનીતિના ભાગ રૂપે જોવામાં આવી રહ્યા છે, જેનો હેતુ પાકિસ્તાનને પાણીની અછતનો સામનો કરાવવાનો છે. સિંધુ જળ સંધિ હેઠળ ચિનાબ નદીનો ઉપયોગ ભારત વીજળી ઉત્પાદન માટે કરી શકે છે, પરંતુ હવે પાણી રોકવાથી પાકિસ્તાનના કૃષિ અને રોજિંદા જીવન પર ગંભીર અસર થઈ શકે છે.

મીડીયા પરની કેટલીક ચર્ચાઓ અનુસાર, પાકિસ્તાને આ પગલાંને 'વોટર વોર' તરીકે ગણાવ્યું છે અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજી તરફ, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓના જવાબમાં લેવાયું છે. ડિજિટલ મીડિયા પરના અહેવાલો સૂચવે છે કે પાકિસ્તાન આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચો પર જઈ શકે છે.

 

(1:46 PM IST)