તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
સરકારી વીમા કંપનીઓના મર્જર અંગે મોટા સમાચાર : સરકારે યોજનાનો ઇનકાર કર્યો
નાણાકીય સેવા વિભાગના સચિવ એમ. નાગરાજુએ તમામ સરકારી વીમા કંપનીઓના મર્જરની યોજનાને નકારી કાઢી : નીતિગત નિર્ણય લેવાયા બાદ સરકાર જાહેરાત કરશે

નવી દિલ્હી: નાણાકીય સેવા વિભાગના સચિવ એમ. નાગરાજુએ તમામ સરકારી વીમા કંપનીઓના મર્જરની યોજનાને નકારી કાઢી છે. તાજેતરમાં મીડિયામાં આવેલા અહેવાલો બાદ આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે એકવાર નીતિગત નિર્ણય (Policy decision) લેવાઈ જશે, ત્યારબાદ સરકાર તેને જાહેર કરશે. નાગરાજુએ ફર્સ્ટ રેસિડેન્શિયલ મોર્ટગેજ-બેક્ડ સિક્યોરિટીઝના લિસ્ટિંગ સમારોહના અવસર પર કહ્યું, "પીએસયુ વીમા કંપનીઓના મર્જર પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે નીતિગત નિર્ણય લેવામાં આવશે, ત્યારે અમે (સરકાર) સામે આવીશું."
ગયા અઠવાડિયે કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ચાર સરકારી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓને એક યુનિટમાં મર્જર કરવા પર વિચાર કરી રહી છે. આ કંપનીઓ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ છે.
આ પગલા પર ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની જેમ એક મજબૂત જનરલ ઇન્સ્યોરન્સ કંપની બનાવવાના ઉદ્દેશ્યથી ચર્ચા કરવામાં આવી રહી હતી, જે ખાનગી કંપનીઓનો મુકાબલો કરી શકે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મર્જરથી દેશભરમાં જનરલ ઇન્સ્યોરન્સ સર્વિસીસના વિસ્તરણ અને પહોંચને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
વીમાનો પ્રસ્તાવ નાણાકીય વર્ષ ૨૦૧૮ના બજેટમાં મૂકવામાં આવ્યો હતો. સરકારના થિંક ટેન્ક નીતિ આયોગે નાણાકીય વર્ષ ૨૦૨૨માં સચિવોની પેનલને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના ખાનગીકરણની ભલામણ કરી હતી, પરંતુ હજી સુધી તેના પર કામ શરૂ થયું નથી.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
