News of Monday, 5th May 2025
મહારાષ્ટ્ર બોર્ડ ધોરણ ૧૨નું પરિણામ જાહેર : ૯૧.૮૮% વિદ્યાર્થીઓ પાસ : છોકરીઓએ છોકરાઓને પાછળ છોડ્યા
છોકરીઓનું પાસિંગ પર્સેન્ટેજ ૯૪.૫૮% જ્યારે છોકરાઓનું ૮૯.૫૧% : કોંકણ વિભાગ ૯૬.૭૪% સાથે ટોચ પર

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ફોર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) એ સોમવારે (૫ મે, ૨૦૨૫) હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC) એટલે કે ધોરણ ૧૨નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં ૯૧.૮૮% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
બોર્ડના ચેરપર્સન શરદ ગોસાવીના જણાવ્યા અનુસાર, છોકરીઓએ ફરી એકવાર છોકરાઓને પાછળ છોડી દીધા છે, જેમાં છોકરીઓનું પાસિંગ પર્સેન્ટેજ ૯૪.૫૮% છે, જ્યારે છોકરાઓનું ૮૯.૫૧% છે.
માર્ચમાં યોજાયેલી પરીક્ષા માટે કુલ ૧૪,૨૭,૦૮૫ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૧૪,૧૭,૯૬૯ હાજર રહ્યા હતા અને ૧૩,૦૨,૮૭૩ પાસ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
કોંકણ વિભાગ ૯૬.૭૪%ના પાસિંગ પર્સેન્ટેજ સાથે ટોચ પર છે, ત્યારબાદ કોલ્હાપુર ૯૩.૬૪%, મુંબઈ ૯૨.૯૩%, છત્રપતિ સંભાજી નગર ૯૨.૨૪%, અમરાવતી ૯૧.૪૩%, પુણે ૯૧.૩૨%, નાસિક ૯૧.૩૧%, નાગપુર ૯૦.૫૨% અને લાતુર ૮૯.૪૬% છે.
વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ૯૭.૩૫% પાસિંગ પર્સેન્ટેજ નોંધાયું છે, જ્યારે વાણિજ્યમાં ૯૨.૬૮%, વ્યવસાયિકમાં ૮૩.૨૬% અને આર્ટ્સ પ્રવાહમાં ૮૦.૫૨% વિદ્યાર્થીઓ પાસ થયા છે, એમ ગોસાવીએ જણાવ્યું હતું.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
