તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
આજે સીતા નવમી : જનકપુરમાં દુષ્કાળ નિવારણ માટે હળ ચલાવતા પ્રગટ થયા માતા સીતા
વૈશાખ શુક્લ નવમી અને પુષ્ય નક્ષત્રમાં માતા સીતાનું પ્રાગટ્ય : જનક મહારાજે બાલ સ્વરૂપે પામવાનું માંગ્યું વરદાન

અયોધ્યા : જનકપુરમાં એક સમયે દુષ્કાળ પડ્યો હતો, જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. આ પરિસ્થિતિના નિવારણ માટે મુનિઓએ મહારાજ જનકને હળ ચલાવવાનું સૂચન કર્યું હતું. જનકપુરમાં એવી માન્યતા છે કે સીતાજી નાના બાળક સ્વરૂપે મળ્યા એ પહેલાં સાક્ષાત અનાદિ પ્રકૃતિ સ્વરૂપે માતાજી તરીકે તેમનું પ્રાગટ્ય થયું હતું.
મહારાજ જનકે હળ ચલાવવાનું શરૂ કર્યું, એક તરફ ગુરુજી અને બીજી તરફ મહારાણી હતા. હળ ચલાવતા જ તે જ સમયે માતા સીતા પ્રગટ થયા, જેના દર્શનથી આનંદ અને મંગલની માળા સર્જાઈ ગઈ. સીતાજીનું સ્વરૂપ અત્યંત ભવ્ય, દિવ્ય અને અદ્ભુત હતું. તેમના શ્યામ કેશ મસ્તક સુધી ભરેલા હતા, જેમાં સૂક્ષ્મ અને ગીચ મણિ-મોતી ગૂંથાયેલા હતા. તેમની વિશાળ ભ્રમરો કામદેવના ધનુષ્ય જેવી મનોહર હતી. તેમના સુંદર અને વિશાળ નેત્રો શ્વેત અને શ્યામ કમળ જેવા પવિત્ર હતા.
સીતાજીએ પ્રસન્ન થઈને મહારાજ જનકને જે જોઈએ તે માંગવા કહ્યું. ત્યારે મહારાજ જનકે પ્રાર્થના કરી કે તેઓ તેમને બાલ સ્વરૂપે પ્રાપ્ત થાય અને તેમને તેમના બાલ વિનોદને પામવાનું તથા શિશુરૂપને માણવાનું વરદાન આપે. માતાજીએ વરદાન આપ્યું અને તુરંત જ સુંદર બાળકીનું રૂપ ધારણ કર્યું અને રડવા લાગ્યા. ત્યારે મહારાજ જનકે તેમને પ્રેમથી ઉપાડી લીધા અને અપાર સુખની અનુભૂતિ કરી.
મિથિલામાં સંતાનના જન્મ વખતે સોહર ગાવાની પરંપરા છે, તેથી સીતાજીના પ્રાગટ્ય વખતે પણ આનંદ અને ઉત્સાહના અવસરે સોહર ગવાયા હતા અને માતા સીતાના જન્મની વધામણી આપવામાં આવી હતી. આજે જનકપુરમાં મંગળ ગીતો ગવાય છે અને ચોતરફ આનંદ છવાયેલો છે. ઘેર ઘેર તોરણો બંધાયા છે અને રત્નોથી જડેલા મંડપો છવાયા છે.
સૌને સિયા જન્મ પ્રસંગની વધામણી!
જય સિયા રામ! 🚩
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
