<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

વટ પાડી દીધોઃ મામાએ ભાણેજના લગ્નમાં ૧ પેટ્રોલ પંપ, ૨૧૦ વીઘા જમીન સહિત ૨૧ કરોડનું મામેરું ભર્યુ

રાજસ્‍થાનના નાગૌર જિલ્લામાં આ વખતે મામેરું ભરવામાં નવો ઇતિહાસ રચાયો

નાગૌર,તા.૦૬: મામેરું એક પરંપરાગત રસમ છે. આ વિવાહ પૂર્વેનો અનુષ્ઠાન છે. જેમાં મામા પોતાની ભાણેજ દીકરી અથવા દીકરાને ગિફ્‌ટ તરીકે કપડાં, ઘરેણાં અને પૈસા અને અન્‍ય સામાન આપે છે. કેટલીય જગ્‍યાએ મામેરાને ભાત અથવા માયકા પણ કહેવાય છે. મામેરું ફક્‍ત એક રસમ નથી. આ એક ભાઈનો પોતાની બહેન પ્રત્‍યેનો પ્રેમ છે. લગ્ન પહેલા આ રસમમાં તમામ ભાઈ અને પિતા પોતાની ક્ષમતાથી વધારે મામેરું આપવાની કોશિશ કરે છે. રાજસ્‍થાનના નાગૌર જિલ્લામાં આ વખતે મામેરું ભરવામાં નવો ઇતિહાસ રચાયો છે.

રાજસ્‍થાનનું સૌથી મોટું મામેરું નાગૌર જિલ્લાના જાયલ તાલુકાના ઝાડેલી ગામના પોટલિયા પરિવારના લેફ્‌ટનન્‍ટ કર્નલ રામચંદ્ર, સુરેશ, ડો.કરણ પોટલિયાના પરિવાર તરફથી પોતાની બહેનના દીકરાના લગ્નમાં ૨૧ કરોડ ૧૧ હજારનું મામેરું ભર્યું છે.

જે અત્‍યાર સુધીનું સૌથી મોટું મામેરું હોવાનું કહેવાય છે. આ અનોખા મામેરામાં ભાઈઓએ પોતાની બહેનના દીકરાને અનોખી ગિફ્‌ટ આપી છે. જેમાં એક કિલો સોનું, ૧૫ કિલો ચાંદી, એક પેટ્રોલ પંપ, ૨૧૦ વીઘા જમીન, અજમેરમાં એક પ્‍લોટ, એક ફોર વ્‍હીલર ગાડી અને ૧.૫૧ કરોડ રૂપિયા રોકડા સામેલ છે. આ ઉપરાંત ભાઈઓએ પોતાની બહેનના સાસરિયાના ૫૦૦ લોકોને એક સાથે ચાંદીના સિક્કા ગિફ્‌ટમાં આપ્‍યા છે. આ મામેરાની કુલ કિંમત ૨૧ કરોડ ૧૧ હજાર રૂપિયા આંકવામાં આવી છે. જે અત્‍યાર સુધીનું સૌથી મોટું મામેરું છે. આ સમગ્ર કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મામેરામાં સામેલ કરવામાં આવેલી ભવ્‍યતા અને સમર્પણને જોઈ લોકો મામાના પરિવારના ખુલ્લા દિલથી વખાણ કરી રહ્યા છે. પોટલિયા ભાઈઓના આ ઐતિહાસિક મામેરાની આખા રાજ્‍યમાં ચર્ચા થઈ રહી છે.

(10:07 AM IST)