<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

બોગસ બિલિંગમાં વેપારીએ નાણાં ભર્યા છતા નોટિસ ફટકારતા હોબાળો

સ્‍ટેટ અને સેન્‍ટ્રલ જીએસટીના અધિકારીઓ વચ્‍ચે સંકલનનો અભાવ

મુંબઈ,તા.૦૬: બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા વેપારીએ જીએસટીની રકમ ઉપરાંત વ્‍યાજ અને દંડ ભરપાઈ કરી દીધા બાદ પણ સ્‍ટેટ અને સેન્‍ટ્રલ જીએસટીના અધિકારીઓની વચ્‍ચે સંકલનના અભાવે વેપારીઓને નોટિસ મળતા વિવાદ સર્જાયો છે.

વેપારીને જીએસટી નંબર સેન્‍ટ્રલ અને સ્‍ટેટ જીએસટીમાંથી ફાળવણી કરવામાં આવે છે. તેમાં વેપારીએ બોગસ બિલિંગ કર્યુ હોય અને તેમાં સેન્‍ટ્રલ જીએસટી દ્વારા કાર્યવાહી કરીને તેને ઝડપી પાડયો હોય તેવા કિસ્‍સામાં સ્‍ટેટ જીએસટીએ નંબરની ફાળવણી કરી હોય તો તેને પણ જાણ કરવામાં આવે છે. ત્‍યારબાદ સેન્‍ટ્રલ જીએસટીએ પકડેલા બોગસ બિલિંગમાં વેપારીને ટેક્‍સ અને વ્‍યાજ તથા દંડની રકમ ભરવા માટે આપેલી નોટિસમાં વેપારીએ તમામ રકમ જમા કરાવી દીધી હોય છે. પરંતુ તેની જાણ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓને કરવામાં આવી નહીં હોવાના કારણે સ્‍ટેટ જીએસટીના અધિકારીઓએ બોગસ બિલિંગ કરનાર વેપારીને ટેક્‍સ સહિતની રકમ ભરવા માટે ફરીથી નોટિસ આપી છે. તેના કારણે બોગસ બિલિંગમાં સંડોવાયેલા વેપારીઓ દોડતા થઇ ગયા છે, કારણ કે એક જ બાબતને કારણે બે વખત ટેક્‍સ ભરવાની સ્‍થિતિ ઊભી થઈ છે. તેમાં એવી જાણકારી મળી છે કે જયારે સેન્‍ટ્રલ જીએસટીના અધિકારીઓએ બોગસ બિલિંગ કરનારાઓ પાસેથી વસૂલાત કરવામાં આવી ત્‍યારે તેની જાણકારી સ્‍ટેટ જીએસટીના અધિકારીઓને આપી નહોતી. સ્‍ટેટ જીએસટીના અધિકારીઓએ નંબરની ફાળવણી કરી હોવાના લીધે તેઓએ પણ ઉઘરાણી શરૂ કરી હોવાના લીધે આ સ્‍થિતિ સર્જાઈ છે. પરંતુ સેન્‍ટ્રલ જીએસટીના અધિકારીઓએ બોગસ બિલિંગ કરનારાઓ પાસેથી તમામ રકમની વસૂલાત કરી દીધી તો તેની જાણકારી સ્‍ટેટ જીએસટીના અધિકારીઓને કેમ નહીં કરી તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. તેના લીધે બોગસ બિલિંગ કરનારા અને બિલ લેનારા વેપારીઓ હાલ તો દોડતા થઇ ગયા છે. જોકે, સેન્‍ટ્રલ અને સ્‍ટેટ જીએસટીના અધિકારીઓએ રિકવરી માટેની નોટિસ ફટકાર્યા બાદ કેટલા રૂપિયાની વસૂલાત કરી તેનો પણ રિપોર્ટ દર મહિને આપવામાં માટે તાકીદ કરવામાં આવી છે.(વસૂલાતની જાણકારી અન્‍ય વિભાગને કરી દેવી જોઇએ

 બોગસ બિલિંગ કરનારાઓ પાસેથી વસૂલાત કરવામાં આવે તો યોગ્‍ય જ છે. પરંતુ એક વિભાગે વસુલાત કરી લીધી હોય તો તેની જાણ અન્‍ય વિભાગને કરવામાં આવે તો આવી સ્‍થિતિ ઊભી થવાની શકયતા જ રહેતી નથી. જેથી વસૂલાત કરવામાં આવ્‍યા બાદ તેની જાણકારી તરત જ અન્‍ય વિભાગને કરવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવવી જોઇએ.

(10:09 AM IST)