News of Tuesday, 6th May 2025
અમરેલી-રાજકોટ જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું: આઠનો ભોગ લેવાયો
અમરેલી જીલ્લાનાં ગાવડકા પાસે શેત્રુંજી નદીમાં ડુબી જતા મીઠાપુર ડુંગળીનાં ૪ મિત્રોના મોત : ધોરાજીનાં સુપેડી પાસે પીજીવીસીએલની ચેકીંગ ટીમ સાથેના વિડીયોગ્રાફી માટેની ગાડી પલ્ટી જતા ૪ ના મૃત્યુ

(ઉપરની ત્રણ તસ્વીરમાં અમરેલી પંથકમાં ૪ મૃતકોના મૃતદેહ તથા ફાઇલ ફોટા, નીચેની ૪ તસ્વીરમાં ધોરાજી પાસે સર્જાયેલ અકસ્માતગ્રસ્ત કાર અને મૃતકોના ફાઇલ ફોટા. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી, કિશોર રાઠોડ-ધોરાજી)
રાજકોટ, તા. ૬: અમરેલી અને રાજકોટ જીલ્લામાં ર દુર્ઘટનામાં ૮ વ્યકિતઓનો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં અમરેલી જીલ્લાનાં ગાવડકા પાસેની શેત્રુંજી નદીમાં ડુબી જતા ૪ મિત્રોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
જયારે બીજા બનાવમાં ધોરાજીનાં સુપેડી પાસે પીજીવીસીએલના ચેકીંગ ટીમ સાથેના વિડીયોગ્રાફી-ફોટોગ્રાફી ટીમની કારને અકસ્માત નડતા ૪ ના મોત થયા છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ ચલાલા ના મીઠાપુર ડુંગરી ગામેથી અમરેલી બાઈક લઇ ખરીદી કરી પરત જઈ રહેલા ચાર જીગર જાન યુવાન મિત્રોના રસ્તામાં ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીના ચેક ડેમમાં નાહવા પડ્યા બાદ ડૂબી જતા મોત નીપજ્યા હતા.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે ચલાલા પંથકના મીઠાપુર ડુંગરી ગામે રહેતા સાગર ખોડાભાઈ દાફડા, ભાર્ગવ રમેશભાઈ રાઠોડ, નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા, કૌશિક મૂળજીભાઈ રાઠોડ નામના ચારે યુવાનો જીગરજાન મિત્રો હોય ચારે ગઈકાલે દિવસ દરમિયાન પોતાના બાઈક લઇ અમરેલી મુકામે અલગ અલગ કામની ખરીદી કરવા આવેલ હોય અને ખરીદી કરી બાઈક લઇ પોતાના વતન મીઠાપુર ડુંગરી પરત જવા નીકળેલ હોય પરંતુ આ ચારે યુવાનો મોડે સુધી પોતાના ઘેર ન પહોંચતા અને મોબાઈલ સ્વીચ ઓફ આવતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી.
મોડી સાંજના ચેકડેમ નજીક ચારે યુવાનોના કપડા અને બાઈક પડ્યા હોવાનું અને ડૂબી ગયા નું અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કોઈએ જાણ કરતા ફાયર ઓફિસર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ભારે શોખોળ ના અંતે ચારે યુવાનોની લાશ બહાર કાઢી પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ રાજકીય આગેવાનોને થતા ઘટતું તુરંત પૂર્ણ કરવા સરકારી અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
ચારેય યુવાનોની લાશ મીઠાપુર ડુંગરી ગામે તેમના પરિવારજનોને સોંપવામાં આવતા આખા ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી ચારે યુવાનોની અર્થી એક સાથે ઉઠતા ગામમાં હૈયાફાટ રૂદનો સર્જાયા હતા.
આ ઘટના તંત્ર માટે શરમજનક હતી તંત્ર દ્વારા ચારે યુવાનોના મળતદેહ સબ વાહિની ને બદલે ટ્રેક્ટર માં નાખી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ ચલાવી રહી છે.
ધોરાજી
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી તાલુકામાં પીજીવીસીએલ ની ૩૦ થી ૪૦ જેટલી ટીમો ચેકિંગમાં આવતા તેમની સાથે વિડીયોગ્રાફી ની ટીમ ની ગાડી નું અકસ્માત સર્જાતા ચારના મોત બેને ગંભીર ઇજા.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે સુપેડી ગામ નજીક આજરોજ વહેલી સવારે પીજીવીસીએલની ૩૦ થી ૪૦ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ ને કામગીરી હાથ ધરવાની હતી ત્યારે ધોરાજી તાલુકાના સુપેડી વિસ્તારમાં ચેકિંગ તરફ જતા પીજીવીસીએલના કર્મચારીઓ સાથે ધોરાજીની વિડીયોગ્રાફી ટીમ સાથે હતી જેમની ગાડી અચાનક ઉપલેટા નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર સાથે ટકરાતા ગાડી ચાલકે કાબુ ગુમાવી દેતા ગાડીમાં બેસેલા છ માંથી ચારને ગંભીર જ્યાં પહોંચતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવેલ જેમાં ચાર વિડીયોગ્રાફી કેમેરામેનનું અવસાન થયું છે જ્યારે બેને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ના દાખલ કરવામાં આવ્યા છે.
પીજીવીસીએલના અધિકારીઓ જણાવેલ કે ધોરાજી થી સુપેડી ગામ જવા ના રસ્તે ઈનોવા કાર માં છ વ્યક્તિ સવાર હતા અને ઈનોવા કાર કોઈ કારણસર અકસ્માત સર્જાયો હતો.
જેમાં ડ્રાઈવર ચલાવતો વ્યક્તિ ને અને અન્ય એક વ્યક્તિ ને ગંભીર ઈજા પહોંચી હતી. અને આ અકસ્માત માં ચાર વ્યક્તિઓ નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
આ અકસ્માત ને લઈને ધોરાજી તાલુકા પોલીસ તંત્ર અને નેશનલ હાઇવે ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી તાત્કાલિક ઇજાગ્રસ્તો અને મૃતકોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ચાર વ્યક્તિ નાં મૃતદેહ ને પી એમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.
બે વ્યક્તિ ને ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
મૃતકો નાં નામઃ (૧) વલ્લભભાઈ રૂઘાણી, (ર) કિશોરભાઈ હિરાણી, (૩) આશીફભાઈ, (૪) આફતાબભાઈ, ૪ કેમેરામેન નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઈજાગ્રસ્તનાં નામઃ (૧) રશ્મિન ગાંધી, (ર) ગૌરાંગ રૂઘાણી બંનેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉપરોક્ત બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
