<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

દેશવ્યાપી યુદ્ધની મોકડ્રીલ : ગુજરાતના ૧૫ જિલ્લાઓ પણ આવતીકાલે જોડાશે

ભારત - પાકિસ્તાન તણાવ વચ્ચે દેશભરના 244 જિલ્લાઓમાં સુરક્ષા કવાયત : કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : નાગરિકોને આપત્કાલીન પરિસ્થિતિ માટે કરાશે તૈયાર

અમદાવાદ, તા. ૬: જમ્મુ-કાશ્મીરમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વધુ તંગ બની છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે દેશના ૨૪૪ સંવેદનશીલ જિલ્લાઓમાં આવતીકાલે, ૭મી મેના રોજ યુદ્ધની મોકડ્રીલ યોજવાનો આદેશ આપ્યો છે. આ મોકડ્રીલમાં ગુજરાતના પણ ૧૫ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે તમામ રાજ્યોના મુખ્ય અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને આ મોકડ્રીલનું આયોજન કરવા જણાવ્યું છે. ગુજરાતમાં આ સમગ્ર કવાયતનું સંકલન IPS અધિકારી મનોજ અગ્રવાલ કરશે. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને મનોજ દાસ પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે અને પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોને પણ મર્યાદિત કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની સરકારની પ્રતિબદ્ધતા પણ દોહરાવી છે.

આવતીકાલે ગુજરાતના જે ૧૫ જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે તેમાં વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ડાંગ, ભાવનગર, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.

આ મોકડ્રીલનો મુખ્ય હેતુ નાગરિકોને યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું અને સલામત સ્થળોએ કેવી રીતે પહોંચવું તેની તાલીમ આપવાનો છે. આજે પંજાબથી મહારાષ્ટ્ર સુધીના ઘણા વિસ્તારોમાં આ મોકડ્રીલની તૈયારીના ભાગરૂપે યુદ્ધના સાયરનના અવાજો પણ સંભળાયા હતા. આ કવાયત દ્વારા સરકાર નાગરિકોને કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે સજ્જ કરવા માંગે છે.

 

(1:31 PM IST)