<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

શેરબજારમાં ઊંચા સ્તરેથી વેચવાલીનું દબાણ : નિફ્ટી ૨૪૪૦૦ની નીચે બંધ : સેન્સેક્સ ૧૫૫ પોઇન્ટ ઘટીને ૮૦,૬૪૧ પર આવી ગયો

સપ્તાહના બીજા દિવસે બજારમાં અંતિમ કલાકોમાં ઘટાડો : પીએસયુ બેન્કિંગ શેરોમાં સૌથી વધુ કડાકો

મુંબઈ, તા. ૬ મે: મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆત ભલે સપાટથી હકારાત્મક રહી હતી, પરંતુ ઊંચા સ્તરેથી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીએ ૨૪૪૦૦ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે બંધ આપ્યું હતું.
નિફ્ટી ૫૦ ૦.૩૩% ઘટીને ૨૪૩૭૯ પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ ૦.૧૯% અથવા ૧૫૫ પોઇન્ટ ઘટીને ૮૦,૬૪૧ પર આવી ગયો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૨.૨૭% ઘટીને ૫૩,૪૩૫ પર અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૩૯૪ પોઇન્ટ અથવા ૨.૫૦% ઘટીને ૧૬,૧૯૫ પર બંધ થયો હતો. નિફ્ટી ઓટો સિવાય તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા હતા, જેમાં પીએસયુ બેન્કિંગ સ્ટોક્સનું નેતૃત્વ હતું અને નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૪.૮૪%નો ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટી ૫૦ના ટોચના ગેઇનર્સમાં હિરો મોટોકોર્પ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, એમએન્ડએમ અને એચયુએલના સ્ટોક્સ સૌથી ઉપર રહ્યા હતા. બીજી તરફ નિફ્ટી ૫૦ પેકમાંથી ટોચના લૂઝર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ૪%નો ઘટાડો જોવા મળ્યો હતો. જિયો ફાઇનાન્સ, ટ્રેન્ટ, એસબીઆઈ લાઈફ અને સિપ્લા પણ નિફ્ટી ૫૦ના લૂઝર્સમાં સામેલ હતા.
આજના બજારમાં ઘણા પરિબળો પ્રભાવી રહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘરેલું દવા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ ફાર્મા સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ઇન્ડેક્સની વધત ઓછી થઈ ગઈ હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઓટો સેક્ટરની તેજીનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ ઓટો સેક્ટરની આ તેજી ઘટાડાને રોકવા માટે પૂરતી ન હતી અને નિફ્ટી ૫૦ અને સેન્સેક્સ નેગેટિવ બંધ થયા હતા.
નિફ્ટી માટે ૨૪૪૦૦નું સ્તર મહત્વપૂર્ણ સ્તર છે. તેની નીચે બંધ થવું એટલે મંદીના ખેલાડીઓને આમંત્રણ આપવું છે. જો કે આજે બેન્કિંગ સ્ટોક્સમાં ઘટાડો રહ્યો હતો અને બેન્ક નિફ્ટી ૬૪૮ પોઇન્ટ ઘટ્યો હતો, તેમ છતાં ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોએ ઊંચા સ્તરે પોતાની જાતને જાળવી રાખી હતી. આ બે સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો ન હતો. જો આજે નિફ્ટી વધુ નથી ઘટ્યો તો તેનું મોટું કારણ આ બે સ્ટોકનું તેમના ઉપલા સ્તરે ટકી રહેવું છે.

 

(4:31 PM IST)