<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

પહેલગામ હત્યાકાંડ : સુરક્ષા દળોએ આતંકવાદી હુમલાના શંકાસ્પદને ઝડપ્યો

બાઈસરન ખીણ નજીકથી બુલેટપ્રૂફ જેકેટ સાથે અહમદ બિલાલની ધરપકડ : પૂછપરછમાં આપ્યા ગૂંચવણભર્યા જવાબો

પહલગામ : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ બાઈસરન ખીણના જંગલોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો છે.
ઝડપાયેલા શંકાસ્પદની ઓળખ અહમદ બિલાલ તરીકે થઈ છે. સુરક્ષા દળોએ જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે ગોળમટોળ અને ગૂંચવણભર્યા જવાબો આપ્યા હતા. શંકાસ્પદ એ પણ સમજાવી શક્યો ન હતો કે તેને બુલેટપ્રૂફ જેકેટ ક્યાંથી મળ્યું. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ શંકાસ્પદને પોલીસને હવાલે કરી દીધો હતો.
અગાઉ આજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી ૨૬ વર્ષીય પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ઘૂસણખોર પાસેથી કોઈ વાંધાજનક સામગ્રી મળી નથી. એશિયા ન્યૂઝ ઓબ્ઝર્વરના એક અહેવાલ મુજબ, પોલીસે શંકાસ્પદને સુરક્ષા દળો પાસેથી કસ્ટડીમાં લીધા બાદ તેની માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કુલગામના તંગમર્ગનો રહેવાસી ૨૩ વર્ષીય યુવકની ૨૨ એપ્રિલે પહેલગામમાં ૨૬ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

 

(6:34 PM IST)