<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

'આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે છીએ' : કતારના અમીરે પહેલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કરી પીએમ મોદી સાથે કરી વાત

કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી : ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી

નવી દિલ્હી : કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. કતારના અમીરે પહેલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. કતારે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપવાની વાત કહી છે. કતારના અમીર અલ-થાનીએ કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારત સાથે છીએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીએ આજે વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે પહેલગામમાં સરહદ પારથી થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના અને એકતા વ્યક્ત કરી હતી. તેમણે આતંકવાદ સામે ભારતની લડાઈ અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે ભારતની તમામ કાર્યવાહીમાં સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને એકતા અને સમર્થનનો સ્પષ્ટ સંદેશ આપવા બદલ શેખ તમીમ બિન હમદ અલ-થાનીનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ ભારત-કતાર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અને આ વર્ષની શરૂઆતમાં અમીરની રાજકીય મુલાકાત દરમિયાન લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી."

 

(7:28 PM IST)