<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પાકિસ્‍તાનને ચાઈનાનો માલ માથે પડયોઃ ઘરમાં ઘૂસીને માર્યા તો પણ ખબર ન પડી

રડારે દગો દીધોઃ ૯ જેટલા સ્‍થળોએ મિસાઈલ છોડવામાં આવી હતી, પરંતુ પાકિસ્‍તાની ડિફેન્‍સ સિસ્‍ટમ અને રડાર આ મિસાઈલને પકડવામાં નાકામ રહ્યું હતું

નવી દિલ્‍હી, તા.૭: ભારતીય સેના દ્વારા પાકિસ્‍તાનમાં ઘૂસીને પંજાબ પ્રાંત અને POKમાં હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્‍તાનના રડાર પર ફરી એકવાર પ્રશ્‍નો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્‍તાનનું ચીની હવાઈ સંરક્ષણ રડાર ફરી એકવાર નિષ્‍ફળ ગયું હોવાના સમાચાર સામે આવ્‍યા છે. ચીનના રડારને ભારતીય હુમલાના કોઈ સમાચાર પણ મળ્‍યા ન હતા. આ અગાઉ, જ્‍યારે બ્રહ્મોસને આકસ્‍મિક રીતે ફાયર થયું હતું, ત્‍યારે પણ પાકિસ્‍તાની રડાર તેને શોધી શકયું ન હતું. જણાવી દઈએ કે, બાલાકોટ એર સ્‍ટ્રાઈક સમયે પણ પાકિસ્‍તાની રડારને કોઈ માહિતી મળી ન હતી.

બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલા પછીનો ભય એટલો ગંભીર હતો કે, પાકિસ્‍તાન ઉતાવળમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ ખરીદવાનું શરૂ કરી દીધું હતું. ચીને તેના મિત્ર પાકિસ્‍તાનને વિશ્વનું સૌથી આધુનિક શષા, હવાઈ સંરક્ષણ પ્રણાલી આપી હતી. પણ તે એ કામ કરી શકયું નહીં. જેમાં 9 LY -80 LOMADS સિસ્‍ટમ પણ આપવામાં આવી છે. આનું સૌથી મોટું ઉદાહરણ આકસ્‍મિક રીતે ફાયર થયેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ છે. ૯ માર્ચ ૨૦૨૨ ના રોજ, અંબાલાથી એક મિસાઈલ ફાયર થઈ હતી, જે ભારતમાં લગભગ ૧૦૦ કિમી અને પાકિસ્‍તાનમાં ૧૦૫ કિમીથી વધુ મુસાફરી કરીને પંજાબ પ્રાંતના ખાનવાલના મિયાં ચન્નુ ખાતે પડી હતી. પાકિસ્‍તાનને તેનો સહેજ પણ ખ્‍યાલ નહોતો. એક દિવસ પછી, પાકિસ્‍તાન સેનાએ બ્રીફિંગ કરીને આ વિશે માહિતી આપી હતી.

એવું લાગે છે કે, ૨૦૧૪ માં કેન્‍દ્રમાં મોદી સરકાર આવ્‍યા પછી પાકિસ્‍તાનની ચિંતાઓ વધુ વધી ગઈ છે. ઉદાહરણ તરીકે, ૨૦૧૪ માં, પાકિસ્‍તાને ઉતાવળમાં ચીન પાસેથી 9 LY-80 LOMADS એર ડિફેન્‍સ સિસ્‍ટમ ખરીદી હતી. આ સિસ્‍ટમ આવ્‍યા બાદ પાકિસ્‍તાનની ચિંતાઓ વધુ વધી ગઈ હતી. કારણ એ છે કે, ચીન પાસેથી લેવામાં આવેલી સિસ્‍ટમોમાં એટલી બધી ખામીઓ આવવા લાગી કે, તેઓ ચોંકી ગયા હતા. પાકિસ્‍તાને ચીનને ખામીઓની યાદી સોંપી હતી. તે યાદીમાં કુલ ૩૮૮ વિવિધ ખામીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. આમાંથી, ૧૦૩ નવી ખામીઓ હતી જ્‍યારે ૨૮૫ ખામીઓ પહેલાથી જ ચીન મોકલવામાં આવી હતી. આમાંથી, ૨૫૫ ખામીઓ એવી હતી જેને સુધારવા માટે પાકિસ્‍તાન સેનાને ચીન પાસે વિનંતી કરવી પડી હતી.

આ વાયુ ડિફેન્‍સ સિસ્‍ટમ ચીન દ્વારા ૨૦૧૫-૨૦૧૬માં પાકિસ્‍તાનને પહોંચાડવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ માં ૬ સિસ્‍ટમો પાકિસ્‍તાનને સોંપવામાં આવી હતી. ગુપ્તચર અહેવાલો અનુસાર, આ ૬ સિસ્‍ટમોમાંથી, 96 LOMAD રેજિમેન્‍ટમાં સમાવિષ્ટ ૩ સિસ્‍ટમોમાં સૌથી વધુ ખામીઓ હતી. જેનું હજુ સુધી સમારકામ થયું નથી. આ પાછળનું સૌથી મોટું કારણ સ્‍પેરપાર્ટ્‍સનો અભાવ અને ટેકનિકલ સહાયક ટીમનો અભાવ છે. કુલ ૯ સિસ્‍ટમો પાકિસ્‍તાનને સોંપવામાં આવી છે.

(10:56 AM IST)