<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ઓપરેશન સિંદૂરની સફળતા ગાથા વિશ્વને જણાવનાર કર્નલ સોફિયા કુરેશી : વડોદરાની દીકરીએ સેનામાં રચ્યો ઇતિહાસ

એમએસયુની પૂર્વ વિદ્યાર્થિની કર્નલ સોફિયાએ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું ગૌરવ વધાર્યું : શાંતિ મિશનમાં પણ નોંધપાત્ર યોગદાન

વડોદરા : વડોદરાની એક તેજસ્વી દીકરી, કર્નલ સોફિયા કુરેશીએ ભારતીય સેનામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. હાલમાં જ તેમણે સફળ ઓપરેશન સિંદૂર અંગે મીડિયાને માહિતી આપીને સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટીમાં બાયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરનાર સોફિયાએ સેનામાં જોડાઈને માત્ર દેશની સેવા જ નથી કરી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું નામ રોશન કર્યું છે.
1997માં એમ.એસ. યુનિવર્સિટીમાંથી બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા બાદ કર્નલ સોફિયા કુરેશીએ એક અલગ રાહ પસંદ કરી. તેમણે દેશની રક્ષા માટે ભારતીય સેનામાં જોડાવાનો નિર્ણય લીધો અને Corps of Signalsમાં પોતાની કુશળતાથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી. તેમના પરિવારમાં પણ દેશસેવાનો વારસો રહ્યો છે. તેમના દાદા ભારતીય સેનામાં ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. સેનાના સંસ્કારોમાં ઉછરેલા સોફિયા અને તેમના પતિ, જેઓ મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે, બંને દેશની સુરક્ષા માટે સમર્પિત છે.
કર્નલ સોફિયા કુરેશીની સિદ્ધિઓની યાદી ઘણી લાંબી છે. 2016માં તેમણે ભારતીય સેનાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું જ્યારે તેઓ ASEAN પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઈઝ ‘ફોર્સ 18’માં ભારતીય દળનું નેતૃત્વ કરનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર બન્યા. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ પોતાની ક્ષમતાઓ અને મક્કમતાનું પ્રદર્શન કરીને વિશ્વને પ્રભાવિત કર્યું.
માત્ર યુદ્ધક્ષેત્રે જ નહીં, કર્નલ સોફિયાએ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નેશન્સના પીસકીપિંગ ઓપરેશન્સ અંતર્ગત તેમણે છ વર્ષ સુધી સેવા આપી છે. 2006માં તેઓ કોંગોમાં તૈનાત હતા અને ત્યાં તેમણે શાંતિ સ્થાપના અને માનવીય સહાયના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ અંગે વાત કરતાં કર્નલ સોફિયાએ જણાવ્યું હતું કે, "વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ મારા માટે હંમેશા ગૌરવની વાત રહી છે."
હાલમાં જ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને કર્નલ સોફિયા કુરેશીએ એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પરિષદમાં તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા અને સેના દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિઓ વિશે માહિતી આપી હતી. દેશની સુરક્ષા માટે કાર્યરત સેનાના અધિકારીઓમાં જ્યારે કર્નલ સોફિયા કુરેશી જેવી મહિલાઓ મોખરે હોય છે, ત્યારે તે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

 

(2:38 PM IST)