News of Wednesday, 7th May 2025
ઓપરેશન સિંદૂર : પીએમ મોદીએ સુરક્ષા દળોને બિરદાવ્યા : કેબિનેટે પણ ટેબલ થપથપાવી અભિનંદન આપ્યા
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાં ધ્વસ્ત કર્યા : વડાપ્રધાને કહ્યું- આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 'ઓપરેશન સિંદૂર' માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ તાજેતરમાં જ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાં પર મોડી રાત્રે હુમલો કર્યો હતો, જેમાં નવ આતંકી ઠેકાણાંને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ વડાપ્રધાને કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેબિનેટને 'ઓપરેશન સિંદૂર' વિશે માહિતી આપી હતી. આ માહિતી બાદ સમગ્ર કેબિનેટે ટેબલ થપથપાવીને આ કાર્યવાહી અને વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ પણ કહ્યું હતું કે તેમની સરકાર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સંરક્ષણ મંત્રી અને એનએસએ અજિત ડોભાલ સાથે પણ અલગથી મુલાકાત કરી અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતે પાકિસ્તાનમાં ક્યાં હુમલા કર્યા તે અંગે માહિતી આપતા જણાવાયું હતું કે, પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવાર-બુધવારની રાત્રિ દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકી ઠેકાણાં પર મિસાઇલ હુમલા કર્યા હતા. આ ઠેકાણાંમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું ઠેકાણું પણ સામેલ હતું. વડાપ્રધાને અગાઉ પહેલગામ હુમલાના પગલે આતંકવાદ સામે કાર્યવાહીના લક્ષ્યો, પદ્ધતિ અને સમય અંગે નિર્ણય લેવા માટે સશસ્ત્ર દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. ઉલ્લેખનીય છે કે પહેલગામના આતંકી હુમલામાં ૨૬ નાગરિકો માર્યા ગયા હતા.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
