News of Wednesday, 7th May 2025
ભારતના ‘ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાનમાં ભયનો માહોલ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી દીધી
ડોકટરો અને તબીબી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૭: બુધવારે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ભારતનું આ ઓપરેશન ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં હતું. તે હુમલામાં ૨૫ ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા.
અત્યાર સુધીમાં, પાકિસ્તાની સેનાએ પુષ્ટિ આપી છે કે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતા ભારતીય હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા છે અને ૪૬ થી વધુ ઘાયલ થયા છે. ભારતે આ હુમલો પંજાબ -પ્રાંત અને પાકિસ્તાન અધિકળત કાશ્મીરમાં કર્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સમગ્ર પ્રાંતમાં કટોકટી જાહેર કરી છે. સરકારી નિવેદન મુજબ, બુધવાર માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. તમામ જિલ્લાઓના વહીવટી એકમોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, બધા ડોકટરો અને તબીબી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી ન રહે તે માટે નાગરિક સંરક્ષણ સહિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. હુમલા પછી તરત જ, પાકિસ્તાને તેનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું, જે હવે આંશિક રીતે ખોલવામાં આવી રહ્યું છે.
ભારતના ઓપરેશન સિંદૂરમાં નિશાન બનાવવામાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી મોટાભાગના એવા હતા જ્યાંથી ભારતમાં આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
