તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 7th May 2025
૨૧ આતંકી શિબિરો તબાહ : ૨૫ મિનિટનું ઓપરેશન : ત્રાસવાદને તમાચો
ભારતની ‘નારી શકિત' એ વિશ્વને સંભળાવી ‘ઓપરેશન સિંદુર'ની હકીકત પીઓકે અને પાકિસ્તાનની અંદર ૧૦૦ કિમી સુધી ઘુસીને ભારતીય જવાનોનું સંયુકત ઓપરેશન : કોઇ નાગરિકને ટાર્ગેટ નથી કરાયા

નવી દિલ્હી, તા.૭: ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ‘ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર (PoK) માં ફેલાયેલા નવ આતંકવાદી કેમ્પોને સફળતાપૂર્વક તોડી પાડ્યા. આ ઐતિહાસિક લશ્કરી કાર્યવાહીની માહિતી સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં આપવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં હાજરી આપી હતી. તેમણે ઓપરેશન સિંદૂર સંબંધિત તમામ લશ્કરી અને રાજદ્વારી પાસાઓની વિગતવાર માહિતી આપી હતી. ભારતની ‘નારી શકિત' એ વિશ્વને સંભળાવી ‘ઓપરેશન સિંદુર'ની વાસ્તવિકતા.
લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર'નો હેતુ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવાનો હતો. આ હુમલામાં ૨૫ ભારતીયો અને ૧ નેપાળી નાગરિક સહિત કુલ ૨૬ નિઃશષા પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકામાં પાકિસ્તાનમાં આતંકવાદનું એક સંગઠિત માળખું બનાવવામાં આવ્યું છે, જે PoKમાં પણ ફેલાયેલું છે. આ માળખાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ૯ આતંકવાદી કેમ્પોને તોડી પાડવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કરના તાલીમ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી. બરનાલા કેમ્પને પણ તોડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિયાલકોટમાં મેહમૂના કેમ્પનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
તેમણે ખુલાસો કર્યો કે POJKમાં પહેલું લક્ષ્ય મુઝફ્ફરાબાદમાં સવાઈ નાલા કેમ્પ હતું, જે નિયંત્રણ રેખાથી ૩૦ કિમી દૂર છે અને લશ્કર-એ-તૈયબાનો તાલીમ આધાર હતો. અહીંથી જ સોનમર્ગ (૨૦ ઓક્ટોબર ૨૦૨૪), ગુલમર્ગ (૨૪ ઓક્ટોબર ૨૦૨૪) અને પહેલગામ (૨૨ એપ્રિલ ૨૦૨૫) હુમલામાં સામેલ આતંકવાદીઓને તાલીમ મળી હતી.
વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે હુમલો બપોરે ૧:૦૫ વાગ્યે શરૂ થયો અને બપોરે ૧:૩૦ વાગ્યા સુધી ચાલ્યો. આ દરમિયાન, વાયુસેનાએ ખૂબ જ સચોટ રીતે હુમલા કર્યા જેથી નાગરિક માળખાને નુકસાન ન થાય અને કોઈ નાગરિક માર્યો ન જાય. તેમણે કહ્યું કે અમે ઉચ્ચ સ્તરીય ગુપ્ત માહિતીના આધારે સ્થાનો પસંદ કર્યા. આ ઓપરેશનના આયોજનમાં સેના, વાયુસેના અને ગુપ્તચર એજન્સીઓએ સંકલિત ભૂમિકા ભજવી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક વિડીયો ક્લિપ સાથે પ્રેસ બ્રીફિંગ શરૂ કર્યું, જેમાં સંસદ હુમલો (૨૦૦૧), મુંબઈ હુમલો (૨૦૦૮), ઉરી, પુલવામા અને હવે પહેલગામ હુમલાની ઝલક દર્શાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ૨૨ એપ્રિલના રોજ લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અને તેમને તેમના પરિવારોની સામે ખૂબ જ નજીકથી ગોળી મારીને હત્યા કરી દીધી.
આ હુમલો માત્ર નિર્દોષ પ્રવાસીઓ પર જ નહીં, પરંતુ ભારતની રાષ્ટ્રીય એકતા, સામાજિક સંવાદિતા અને પર્યટન પર પણ હતો.
મિશ્રીએ કહ્યું કે રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને, જે લશ્કર સાથે સંકળાયેલું સંગઠન છે, આ હુમલાની જવાબદારી લીધી છે. ગુપ્તચર તપાસમાં સ્પષ્ટ થયું કે આ હુમલા પાછળ પાકિસ્તાનની ભૂમિકા હતી. તેમણે વધુમાં કહ્યું, અમારી ગુપ્તચર એજન્સીઓને સંકેત મળ્યા છે કે ભવિષ્યમાં ભારત પર વધુ હુમલા થઈ શકે છે. તેથી, અમે સરહદ પારથી જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો અને આ કાર્યવાહી માપેલ, જવાબદાર અને પ્રમાણસર હતી
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
