News of Thursday, 8th May 2025
ઇઝરાયલ-ગાઝા યુદ્ધ : ઇઝરાયલ દ્વારા ગાઝામાં ચૂંટેલા હમાસના લક્ષ્યો પર હુમલા : હવાઈ હુમલામાં ૫૯ પેલેસ્ટિનિયન માર્યા ગયા
ભૂખમરાથી પીડિત પેલેસ્ટિનિયનો પર ઇઝરાયલનો ભીષણ હુમલો : બે મહિનાથી માનવતાવાદી સહાય અટકાવાતા પરિસ્થિતિ ગંભીર

યેરુશાલેમ: ભૂખમરાથી ત્રાહિમામ પોકારી રહેલા પેલેસ્ટિનિયનો પર બુધવારે ઇઝરાયલના હુમલામાં ૫૯ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. ઇઝરાયલે બાહ્ય વિશ્વમાંથી ગાઝામાં માનવતાવાદી સહાયની સપ્લાયને બે મહિનાથી અટકાવી દીધી છે, જેના કારણે ત્યાં ખાણીપીણી અને તબીબી સામગ્રીની તીવ્ર તંગી સર્જાઈ છે.
ગાઝાના મધ્યમાં સ્થિત બુરેજના એક શાળાના મકાનમાં આશ્રય લઈ રહેલા સેંકડો વિસ્થાપિત પેલેસ્ટિનિયનો પર ઇઝરાયલના હવાઈ હુમલામાં ૨૭ લોકો માર્યા ગયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ જ રીતે, ગાઝા સિટીની એક શાળાના મકાન પર બુધવારે વહેલી સવારે થયેલા હુમલામાં ૧૬ લોકો માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે આ જ સપ્તાહે ઇઝરાયલ સરકારે સમગ્ર ગાઝા પર કબજો કરવાની યોજનાની જાહેરાત કરી છે, જેના માટે ઇઝરાયલી સેનાએ હુમલા તેજ કરવા માટે મોટી સંખ્યામાં અનામત સૈનિકોને હાજર થવા જણાવ્યું છે.
દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં બંધક ૫૯ લોકોમાંથી માત્ર ૨૧ જ જીવિત હોવાની વાત કહી છે. ગાઝામાં કાર્યરત સ્વયંસેવી સંસ્થાઓએ ખાદ્ય સામગ્રી અને પીવાના પાણીની તંગીને કારણે ભૂખમરાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે નવજાત અને નાના બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે, જેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ ખતમ થવાનો ખતરો ઊભો થયો છે. મહિનાઓથી ખાણીપીણીની અછતનો સામનો કરી રહેલા બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને ઘાયલ લોકોને સૌથી વધુ ખતરો છે. તાજેતરના અઠવાડિયામાં તેમનો મૃત્યુદર પણ વધ્યો છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
