<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

૧૮ વર્ષ સુધી ડિગ્રી વિના સરકારી નોકરી કરીઃ ૮૦ લાખનો પગાર પણ લઈ લીધોઃ જોડીયા બહેનો એક જ માર્કશીટમાં નોકરી કરતી

કૌભાંડ સામે આવતા એક બહેને રાજીનામું આપી દીધું છે અને બીજીએ સ્‍કૂલ છોડી દીધી :આ મામલો ત્‍યારે સામે આવ્‍યો જ્‍યારે બંનેએ એક જ સ્‍કૂલમાં ટ્રાન્‍સફર માટે અરજી કરી. અધિકારીઓને શંકા જતાં આ મામલે તપાસ કરાવી

દમોહ,તા.૦૮: મધ્‍ય પ્રદેશના દમોહમાં નકલી ડોકયુમેન્‍ટ સાથે સરકારી સ્‍કૂલમાં નોકરી કરનારા શિક્ષકોનું એક મોટું કૌભાંડ સામે આવ્‍યું છે. આ આખો કિસ્‍સો ખૂબ જ ચોંકાવનારો છે. દમોહમાં બે જોડિયા બહેનો એક જ નામની માર્કશીટથી અલગ અલગ સરકારી સ્‍કૂલોમાં નોકરી મેળવી હતી. ૧૮ વર્ષ સુધી બંને પગાર લેતી રહી. કોઈને પણ કાનોકાન ખબર પણ ન પડી. બંનેએ નકલી સેવા કાળ દરમ્‍યાન ૮૦ લાખથી વધારેનો પગાર લઈ લીધો. કુલ મળીને ૧.૮ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્‍યો. આ કૌભાંડ સામે આવતા એક બહેને રાજીનામું આપી દીધું છે અને બીજીએ સ્‍કૂલ છોડી દીધી છે. આ મામલો ત્‍યારે સામે આવ્‍યો જ્‍યારે બંનેએ એક જ સ્‍કૂલમાં ટ્રાન્‍સફર માટે અરજી કરી. અધિકારીઓને શંકા જતાં આ મામલે તપાસ કરાવી.

બંને બહેનોના નામ રશ્‍મિ છે. એકના પતિનું નામ દીપેન્‍દ્ર છે અને બીજીના પતિનું નામ વિજય સોની છે. બંને બહેનોએ નકલી માર્કશીટની મદદથી નોકરી મેળવી હતી.

દમોહ જિલ્લા અધિકારી એસકે નેમા આ અંગે જણાવે છે કે એક જ અંકસૂચિને લઈને બે બહેનોએ શાસકીય સેવા પ્રાપ્ત કરી હતી. બંનેની જાણકારી મળતા સંબંધિત એક શિક્ષિકા દ્વારા સ્‍કૂલ છોડી દેવામાં આવી છે. બીજી શિક્ષિકાએ રાજીનામું આપી દીધું છે. બંને વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. એક ટીચર ઓરિજનલ માર્કશીટનો ઉપયોગ કરતી હતી. બીજી ફોટોકોપીનો ઉપયોગ કરતી હતી. બંનેએ વેરિફિકેશનના સમયે અલગ અલગ માર્કશીટ રજૂ કરી. તેના કારણે સંબંધિત વેરિફિકેશન અધિકારીઓને શંકા ગઈ.

દમોહમાં શિક્ષણ વિભાગની તપાસમાં આવા ૧૯ શિક્ષકો ધ્‍યાનમાં આવ્‍યા છે, જેમની માર્કશીટ અને દસ્‍તાવેજોમાં ગંભીર ગરબડ જોવા મળી. જો કે વિભાગ તરફથી હજુ ખાલી ૩ શિક્ષકોને હટાવ્‍યા છે. બાકીના ૧૬ શિક્ષકો હજુ પણ બાળકોને ભણાવી રહ્યા છે. આ શિક્ષકોએ અત્‍યાર સુધીમાં ૨૨.૯૩ કરોડ રૂપિયાની સેલેરી લઈ લીધી છે.

(10:00 AM IST)