તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 8th May 2025
RAWની યાદીમાં ૨૧ નામ હતા, તેમાંથી ૯ પસંદ કરાયા
ઓપરેશનની યોજના પર કામ કરનારા અધિકારીઓને સાઉથ બ્લોકમાં ‘‘બ્લોક'' કરવામાં આવ્યા

નવી દિલ્હી,તા.૦૮: પહેલગામના આતંકી હુમલાને જવાબ આપતી ભારતમાં ૬-૭ મેની રાતે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક અમલમાં મૂકાયું. આ વિશિષ્ટ વ્હાઈટ-ઓપરેશન પાછળનું આયોજન પણ એટલું જ રોમાંચક હતું, જ્યાં ૩ મેના રોજ દિલ્હીની સાઉથ બ્લોકમાં થયેલી એક હાઈ લેવલ બેઠકથી સમગ્ર પ્રક્રિયાને ગતિ મળી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ હાજર રહ્યા. અહીં નિર્ણય લેવામાં આવ્યો કે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલી આતંકી છાવણીઓને નિશાન બનાવી ભારત ફરી હવાઈ હુમલો કરશે.
ત્યાર બાદ, ઓપરેશનની યોજના પર કામ કરનારા અધિકારીઓને સાઉથ બ્લોકમાં બ્લોક કરવામાં આવ્યા. ૫ મેના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા વડાપ્રધાન સામે આખરી પ્રસ્તાવ રજૂ કરાયો અને મંજુરી મળી. ત્યારબાદ, ૬-૭ મેની મધરાતે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર ૧૦૦ કિમી સુધી ઘૂસી ૯ આતંકી ઠેકાણાઓ પર ૨૪ મિસાઈલોથી આકરો હુમલો કર્યો.આ ઓપરેશન માત્ર ૨૫ મિનિટ ચાલ્યું અને એમાં આતંકવાદીઓના મહત્વના લોંચ પેડ, તાલીમ કેન્દ્રો અને બેઝ કેમ્પ્સને ખતમ કરી દેવામાં આવ્યા. જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે.
RAW અને અન્ય ટેકનિકલ એજન્સીઓએ ૨૧ ટાર્ગેટની સૂચિ આપી હતી, જેમાંથી સૌથી સંવેદનશીલ ૯ને ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા. આમાંથી ૪ પાકિસ્તાનમાં અને ૫ પીઓકેમાં હતા.સેનાએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશનનો હેતુ પાકિસ્તાની સૈન્ય સ્થાપનાને ખાત્મો કરવો નહીં, પરંતુ આતંકી માળખાને તોડવાનો છે અને વિશ્વ સમુદાયને સંદેશ આપવાનો છે કે ભારત હવે આતંકના જવાબમાં માત્ર નિવેદન નહીં, પગલાં લે છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
