<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારતીય સેનાનો પાકિસ્તાન પર જડબાતોડ પ્રહાર : જેસલમેર અને અખનૂરમાં બે પાકિસ્તાની ફાઈટર પાઈલટ જીવતા પકડાયા : પાકિસ્તાનના અનેક શહેરોમાં ભીષણ તબાહી

ભારતની જવાબી કાર્યવાહીથી ભડકેલા પાકિસ્તાને LoC પર ગોળીબાર વધાર્યો : પરંતુ ભારતીય સેનાએ ચીન નિર્મિત JF-17 અને અમેરિકા નિર્મિત F-16 સહિત ત્રણ યુદ્ધ વિમાનો તોડી પાડ્યા : વડાપ્રધાન મોદીને પરિસ્થિતિની જાણ : વધુ કડક કાર્યવાહીની તૈયારી

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના 'ઓપરેશન સિંદૂર'થી ભડકેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને જેસલમેર પર ડ્રોન, મિસાઇલ અને યુદ્ધ વિમાનોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ અને આકાશે નિષ્ફળ બનાવ્યો હતો. એટલું જ નહીં, ભારતીય સેનાએ પાકિસ્તાનના ચીનમાં બનેલા બે જેએફ-૧૭, અમેરિકામાં બનેલા એફ-૧૬ વિમાનો અને અવાક્સને તેમની જ સીમામાં તોડી પાડ્યા હતા. આ ત્રણેય લડાકુ વિમાનો ભારત પર હુમલો કરવાના ઇરાદે આગળ વધી રહ્યા હતા. પોતાના વિમાનોમાંથી ઇજેક્ટ થયા બાદ ભારતીય સીમામાં પડેલા બે પાકિસ્તાની પાઇલટને જેસલમેર અને અખનૂરમાં જીવતા પકડી લેવામાં આવ્યા છે.
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર તેજ કરી દીધો છે. જેના જવાબમાં ભારતે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, સિયાલકોટ, બહાવલપુર જેવા મહત્વપૂર્ણ નવ શહેરોમાં મિસાઇલો અને ડ્રોનનો વરસાદ વરસાવ્યો છે. ગુરુવારે મોડી સાંજે થયેલા આ હુમલાઓ બાદ સીડીએસના નેતૃત્વમાં ત્રણેય સેનાના વડાઓની તાત્કાલિક બેઠક યોજાઈ હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં પાકિસ્તાનને તેની હિંમતની વધુ સખત સજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમને તાજા પરિસ્થિતિની જાણકારી આપી. ભારતે ચેતવણી આપી છે કે પાકિસ્તાનના ટકરાવ વધારવાના પ્રયાસોનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સાંજે પાકિસ્તાનના હુમલા બાદ ધર્મશાળામાં ચાલી રહેલી આઈપીએલ મેચ સુરક્ષાના કારણોસર રોકી દેવામાં આવી હતી.
ખાસ વાત એ છે કે બુધવાર રાતની જેમ જ ગુરુવારે પણ ભારતીય સેનાએ પોતાની સીમામાં રહીને પાકિસ્તાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ પહેલા પાકિસ્તાને બુધવાર-ગુરુવારની રાત્રે જમ્મુ-કાશ્મીર અને પંજાબથી લઈને ગુજરાતના સરહદી વિસ્તારોના ૧૫ શહેરોમાં સૈન્ય સ્થાપનો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.

(1:28 AM IST)