<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારતમાં ફક્‍ત ભારતીયોને જ રહેવાનો અધિકાર, રોહિંગ્‍યાઓએ જવું પડશેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દિલ્‍હીથી રોહિંગ્‍યા મુસ્‍લિમોના સંભવિત દેશનિકાલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો : મ્‍યાનમારમાં થઈ રહેલા કથિત નરસંહારને કારણે રોહિંગ્‍યા સમુદાય ભારતમાં શરણાર્થી હોવાનું જણાવીને અરજદારોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે તેમને ભારતમાં રહેવાનો અધિકાર આપવામાં આવે

નવી દિલ્‍હી,તા.૦૯: ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે વધી રહેલા તણાવ વચ્‍ચે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. મ્‍યાનમારમાં થઈ રહેલા કથિત નરસંહારને કારણે રોહિંગ્‍યા સમુદાય ભારતમાં શરણાર્થી હોવાનું જણાવીને અરજદારોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે તેમને ભારતમાં રહેવાનો અધિકાર આપવામાં આવે. આ અંગે હવે કોટેશ્વર સિંહની બેન્‍ચે કહ્યું કે ભારતના બંધારણ મુજબ ફક્‍ત ભારતીય નાગરિકોને જ દેશમાં રહેવાનો અધિકાર છે અને વિદેશી નાગરિકોના કિસ્‍સામાં વિદેશી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

વરિષ્ઠ વકીલ કોલિન ગોન્‍સાલ્‍વિસ અને વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર વિચાર કરતી વખતે બેન્‍ચે કહ્યું કે કેસની વિગતવાર સુનાવણી ૩૧ જુલાઈના રોજ થશે

સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડવોકેટ કનુ અગ્રવાલે કોર્ટને જણાવ્‍યું હતું કે અગાઉ પણ સુપ્રીમ કોર્ટે આસામ અને જમ્‍મુ અને કાશ્‍મીરમાં રોહિંગ્‍યા મુસ્‍લિમોના દેશનિકાલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે કેન્‍દ્ર સરકારે રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો વ્‍યક્‍ત કર્યો હતો.

UNHCR એ શરણાર્થીનો દરજ્જો આપ્‍યો છે

ગોંઝાલ્‍વેસ અને ભૂષણે દલીલ કરી હતી કે રોહિંગ્‍યા સમુદાયને સંયુક્‍ત રાષ્‍ટ્ર માનવ અધિકાર આયોગ (UNHCR) દ્વારા શરણાર્થી તરીકે માન્‍યતા આપવામાં આવી છે અને તેમની પાસે શરણાર્થી કાર્ડ પણ છે. આવી સ્‍થિતિમાં, તેમને ભારતમાં રહેવાનો અને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે.

સોલિસિટર જનરલે જવાબ આપતા કહ્યું કે ભારત યુએન રેફયુજી કન્‍વેન્‍શન (૧૯૫૧) નો સહી કરનાર નથી અને યુએનએચસીઆર દ્વારા આપવામાં આવેલી શરણાર્થી માન્‍યતા ભારત માટે બંધનકર્તા નથી. તેમણે કહ્યું, રોહિંગ્‍યા વિદેશી નાગરિકો છે અને સુપ્રીમ કોર્ટે પહેલાથી જ સ્‍પષ્ટ કરી દીધું છે કે નિવાસના અધિકાર હેઠળ ભારતીય નાગરિકોને દેશનિકાલથી રક્ષણનો અધિકાર ઉપલબ્‍ધ છે.

બેન્‍ચે સ્‍પષ્ટતા કરી કે કલમ ૨૧ હેઠળ જીવનનો અધિકાર રોહિંગ્‍યા સ્‍થળાંતર કરનારાઓને પણ લાગુ પડે છે પરંતુ તેઓ બધા વિદેશી છે અને તેમના કેસ વિદેશી કાયદા મુજબ હાથ ધરવામાં આવશે.(૪૦.૬)

(9:42 AM IST)